top
'સાહેબો મંજૂરી આપવાને બદલે ગોળ-ગોળ ફેરવે છે!':સુરતમાં તંત્રની ઉદાસીનતા સામે શ્રમિકોએ લડી લેવાના મૂડમાં, 1 તારીખે 'માત્ર એક રજા'ની માંગ સામે 20 હજાર કામદારોના ધરણાં
લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને હવે શ્રમિકોએ લડી લેવાના મૂડમાં મોટા આંદોલનની જાહેરાત કરી છે. આગામી 1 ઓક્ટોબરના રોજ 20 હજારથી વધુ શોષિત અને પીડિત કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસશે. અગાઉ થયેલી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા મજૂરો હવે સામૂહિક રીતે એકઠા થઈને વહીવટી તંત્ર સામે મોરચો માંડશે. આ વખતે અગાઉની સરખામણીએ ચાર ગણી સંખ્યામાં કામદારો એકત્રિત થઈને કલેક્ટર કચેરી ખાતે અવાજ બુલંદ કરશે. અગાઉની રજૂઆતો છતાં કોઈ સુનાવણી નહીં શ્રમિક આગેવાનો દ્વારા અગાઉ 24 તારીખ અને ત્યારબાદ 12 તારીખે પણ કલેક્ટરને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. વહીવટી તંત્રને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે જો 30 તારીખ સુધીમાં એસોસિએશન તેમજ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજીને કોઈ યોગ્ય સમાધાનકારી રસ્તો નહીં કાઢવામાં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે. જોકે ડેડલાઈન નજીક હોવા છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય સુનાવણી કરવામાં આવી નથી. ધરણાની પરવાનગી માટે છેલ્લા પાંચ-સાત દિવસથી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી ધરણા માટે કોઈ મંજૂરી આપવામાં આવી રહી નથી. અજયે તંત્રની નીતિ સામે રોષ ઠાલવ્યો, 'માત્ર ગોળ-ગોળ ફેરવે છે' આ અંગે આક્રોશ વ્યક્ત કરતા યુનિયન લીડર અજય દુબે એ જણાવ્યું હતું કે, અમે પરવાનગી માટે કમિશનરને રૂબરૂ મળવા ગયા ત્યારે તેમણે કહ્યું કે આ કામ સ્પેશિયલ બ્રાન્ચનું છે અને તેઓ સામેથી ફોન કરશે. તંત્રમાં કોઈની કોઈ વ્યક્તિગત જવાબદેહી જ નથી, માત્ર અરજદારોને ગોળ-ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. 30 તારીખ સુધીમાં જો અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો 1 ઓક્ટોબરે અમારા આંદોલનમાં અગાઉ કરતાં ચાર ગણી સંખ્યામાં પીડિતો કલેક્ટર કચેરી પહોંચશે. માત્ર એક પરિપત્ર જારી કરીને કાયદાનો અમલ કરાવવા માંગ કામદારોનું સ્પષ્ટ કહેવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં અનેક કાયદાઓ પહેલેથી જ પસાર કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે તેનો અમલ કરાવવામાં આવતો નથી. લેબર કમિશનર અથવા કલેક્ટર કચેરી દ્વારા માત્ર એક સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવે કે આ સરકારી નિયમો તમામ ખાનગી કંપનીઓ અને એકમોએ ફરજિયાત લાગુ કરવાના રહેશે. જો કંપનીઓ આ નિયમોનું પાલન ન કરે તો તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તેવી સ્પષ્ટ જોગવાઈ થવી જોઈએ. આંદોલન તોડવા 'માત્ર એક રજા'ની રમત, શેઠિયાઓ મજૂરોને ભડકાવે છે આંદોલનમાં 20 હજારથી વધુ શ્રમિકો જોડાવાના હોવાથી મિલ માલિકો અને શેઠિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્રમિકોને ધરણામાં જતા રોકવા માટે શેઠિયાઓ અને એસોસિએશન દ્વારા 'માત્ર એક રજા'નું રાજકારણ ખેલાઈ રહ્યું છે. કામદારો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે જો તેઓ ૧ ઓક્ટોબરે આંદોલનમાં નહીં જાય તો જ તેમને માત્ર સાપ્તાહિક રજા આપવામાં આવશે, અને જો તેઓ ધરણામાં જશે તો રજા કાપી લેવામાં આવશે. આમ, માત્ર એક રજાની લાલચ કે ધમકી આપીને ગરીબ કામદારોને ભડકાવવાનો અને તેમના હકની લડાઈને તોડી પાડવાનો કારસો રચાઈ રહ્યો છે.
Read full article on Divya Bhaskar