politics
થોરિયાળી બેઠકની પેટા ચૂંટણી જાહેર:રાજકોટ મનપા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકોની ચૂંટણી જાહેર, 21 ઓક્ટોબરે મતદાન
રાજકોટ મનપા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી ટર્મની બોડીની રચના માટે મેયર તેમજ નિર્વાચન અધિકારી ડો. નેહલ શુકલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ અલગ અલગ કેટેગરીની 12 બેઠકો ભરવા માટે મેયર ચેમ્બરમાંથી નિયુક્તિપત્રો આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અગાઉ પક્ષના 150 જેટલા કાર્યકરોએ કમલમ ખાતે દાવેદારી નોંધાવી હતી. મનપામાં ભાજપના 67 અને કોંગ્રેસના 5 કોર્પોરેટરોના સંખ્યાબળના આધારે ભાજપના 11 અને કોંગ્રેસના 1 સભ્ય ચૂંટાય તેવું ગણિત છે. 12 બેઠકોમાં એક અનુસૂચિત જાતિ/જનજાતિ, આઠ સામાન્ય અને ત્રણ ઉચ્ચ શિક્ષિત બેઠકોનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણ સભ્યોની નિયુક્તિ રાજ્ય સરકાર કરશે. હાલ શિક્ષણ સમિતિના ચેરમેન પદ માટે કિશોર રાઠોડ, અશ્વિન મોલીયા, મનીષ રાડીયા અને ડી.વી. મહેતાના નામો ચર્ચામાં છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, જાહેર રજાઓ સિવાય સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ મળશે. તા. 30 સપ્ટેમ્બર સુધીમાં દરખાસ્ત કરનાર અને ટેકો આપનારની હાજરીમાં ફોર્મ ભરવાના રહેશે, જ્યારે તા. 1 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ત્યારબાદ તા. 21 ઓક્ટોબરના રોજ જનરલ બોર્ડમાં સવારે 11થી 2 સુધી મતદાન થશે અને બપોરે 3 વાગ્યે મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની તા.11 ઓકટોબરે પેટા ચૂંટણી યોજાશે રાજય ચૂંટણીપંચ દ્વારા પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તા.11 ઓકટોબરના યોજાનારી આ ચૂંટણીનું જાહેરનામુ સપ્ટેમ્બરના પ્રસિધ્ધ થતા ઉમેદવારો નામાંકનપત્રો ભરી શકશે. ઉમેદવારો તા.26 સપ્ટેમ્બર સુધી નામાંકનપત્રો ભરી શકશે. તા.28 સપ્ટેમ્બરનાં રોજ નામાંકન પત્રોની ચકાસણી થશે. તા.29 સપ્ટેમ્બરના ઉમેદવારો પોતાના નામાંકન પત્રો પરત ખેંચી શકશે. આ ચૂંટણીમાં 11 ઓકટોબરના સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ચાર મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા થશે આ બેઠકની પેટા ચૂંટણીમાં 2187 પુરૂષ અને 1979 સ્ત્રી મતદારો મળી કુલ 4159 મતદારો મતદાન કરશે. જયારે પુન: મતદાનની જરૂરીયાત જણાય તો તા.12ના પુન:મતદાન થશે. અને તા.13 ઓકટોબરે મત ગણતરી કરવામાં આવશે. પેટા ચૂંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ટૂંક સમયમાં જાહેરનામા બહાર પડાશે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપમાં થયેલી બળવાખોરી અને વિવાદના પડઘા હજુ શાંત થયા નથી, ત્યાં હવે રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારના સહકારી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ગોંડલ યાર્ડ માટે બજાર નિયામકને દરખાસ્ત મોકલાઈ ગઈ છે, જ્યારે રાજકોટ યાર્ડની દરખાસ્ત બે-ત્રણ દિવસમાં મોકલાશે. ગોંડલ યાર્ડનું ચૂંટણી જાહેરનામું ચાલુ મહિનામાં અને રાજકોટ યાર્ડનું આવતા મહિનામાં બહાર પડવાની શક્યતા છે. રાજકોટ યાર્ડની મુદત 2 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. નિયમ મુજબ મુદત પૂરી થવાના 85 દિવસ અગાઉ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. રાજકોટ યાર્ડમાં ધારાસભ્ય જયેશ રાદડિયાના જૂથનો દબદબો રહ્યો છે. આ વખતે ભૂતપૂર્વ વિરોધી હરદેવસિંહ સાથલિયા જૂથ સાથે હાથ મિલાવી લેવાયા છે, પરંતુ લોધિકા સંઘમાં સર્જાયેલા આંતરિક જૂથવાદના ભડકાને પગલે ભાજપના અમુક સહકારી આગેવાનો સામસામે મેદાને પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજીતરફ, ગોંડલ માર્કેટ યાર્ડમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ચેરમેન છે. લોધિકા સંઘના વિવાદમાં તેમનું નામ પણ ઉછળ્યું હતું. ભાજપ દ્વારા સહકારી ચૂંટણીઓ પક્ષના બેનર હેઠળ લડવાનો નિર્ણય કરાયો હોવાથી સંગઠનની ભૂમિકા વધી છે. આ સંજોગોમાં ગોંડલ અને રાજકોટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર ભારે ખેંચતાણ અને રાજકીય ચહલપહલ જોવા મળશે. જોકે રાજકોટ જિલ્લાની મહત્વની સહકારી સંસ્થાઓ એવી જિલ્લા બેંક તથા રાજકોટ ડેરીની મુદત પણ ઘણા વખતથી પૂર્ણ થઇ હોવા છતાં ટુંકાગાળામાં ચૂંટણી થવાના હજુ કોઇ સંકેતો નથી.
Read full article on Divya Bhaskar