top
12 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ હત્યારો શહાદાથી દબોચાયો:રિલાયન્સ ગેટ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાંથી લૂંટ બાદ ડ્રાઇવરનું મર્ડર કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી
સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે વર્ષ 2014માં ટ્રક ડ્રાઇવરની ઘાતકી હત્યા કરી લાખો રૂપિયાના મુદ્દામાલની સનસનીખેજ લૂંટ ચલાવવાના ચકચારી ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) ને બાર વર્ષ બાદ મોટી સફળતા સાંપડી છે. હજીરા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ વિથ મર્ડરના આ ગંભીર કેસમાં છેલ્લા 12 વર્ષથી પોલીસને સતત ચકમો આપી નાસતો ફરતો મુખ્ય સૂત્રધાર આખરે ખાખીના સકંજામાં આવી ગયો છે. પીસીબીની ટીમે આધુનિક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે મહારાષ્ટ્રના શહાદા ખાતે દરોડો પાડી આરોપી વિરેશ રમેશચંદ્ર શર્માને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના પેટ્રોલ પંપ પર સફળ વોચ ગોઠવી આરોપીને દબોચ્યો પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરાને ગુપ્ત બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે સુરતનો આ મોસ્ટ વોન્ટેડ હત્યારો વિરેશ શર્મા મહારાષ્ટ્રના શહાદા સ્થિત મોહિદે હવેલી પાસે આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર કામ અર્થે નિયમિત આવે છે. બાતમીની સચોટતા ચકાસ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત પીસીબીની એક ખાસ ટીમને તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે પેટ્રોલ પંપ પરિસરમાં ખાનગી ડ્રેસમાં સફળ વોચ ગોઠવી હતી અને જેવો આરોપી ત્યાં પહોંચ્યો કે તરત જ તેને કોર્ડન કરીને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના દેવરીયા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકની લૂંટ કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી પોલીસ કસ્ટડીમાં આરોપીની આકરી પૂછપરછ દરમિયાન 12 વર્ષ જૂના આ ભયાનક હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. વર્ષ 2014માં વિરેશે પોતાના સાગરીતો વિજય યાદવ, રામનરેશ, સર્વેશ અને લલ્લા સાથે મળીને હજીરા સ્થિત રિલાયન્સ કંપનીના ગેટ નંબર 1 પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલી એક આખી ટ્રક આંતરી હતી. આરોપીઓએ ટ્રકના નિર્દોષ ડ્રાઇવરની કરપીણ હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની લાશને સચીન ઓવરબ્રિજ નીચે આવેલી ગટરમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ ટ્રક અને અંદર રહેલા પ્લાસ્ટિકના દાણા સહિત કુલ ₹26,93,248ની માતબર રકમનો મુદ્દામાલ લૂંટીને તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મુખ્ય સૂત્રધાર હજીરા પોલીસને સોંપાયો આ ચકચારી ગુનામાં અગાઉ સુરત પોલીસે વિરેશ શર્માના ત્રણ સાગરીતોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, પરંતુ મુખ્ય આરોપી વિરેશ પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં મજૂરીકામ કરતો હોવાથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. આખરે 12 વર્ષની લાંબી ફરારી બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. પીસીબી ટીમે આરોપીની પ્રાથમિક અટકાયત પૂર્ણ કરી આગળની કાયદેસરની તપાસ અને રિમાન્ડ મેળવવાની તજવીજ માટે તેનો કબ્જો હજીરા પોલીસ મથકને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar