top
તહેવારોમાં જુગારની મોજ પડી ભારે:સુરત પોલીસે ધાબા, ગેલેરી અને કાર મેળા પર ત્રાટકી 136 જુગારીઓને ઝડપી લીધા
સુરત શહેરમાં પવિત્ર શ્રાવણી તહેવારો અને જન્માષ્ટમી પર્વ દરમિયાન શાંતિ, સલામતી તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અકબંધ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેર પોલીસે અસામાજિક તત્વો સામે વ્યાપક સઘન ઝુંબેશ હાથ ધરી હતી. શીતળા સાતમ અને જન્માષ્ટમીના પાવન અવસરે એકતરફ શહેરીજનો ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણીમાં લીન હતા, ત્યારે બીજી તરફ તહેવારોના નામે ગેરકાયદે દારૂ અને જુગારની મહેફિલ જમાવી બેઠેલા તત્વો સામે પોલીસે આક્રમક કાર્યવાહી કરી હતી. શહેરભરના વિવિધ વિસ્તારોમાં ખાસ ઓપરેશન હાથ ધરીને પોલીસે પ્રોહીબિશનના 146 કેસ નોંધ્યા હતા તેમજ ધાબા, ગેલેરીઓ અને કાર મેળાઓ પર દરોડા પાડીને પત્તા ટીંચતા 136 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. દારૂબંધીના બે દિવસમાં 146 કેસો, લાખોનો મુદ્દામાલ અને 70 આરોપીઓ પકડાયા દારૂબંધીના કડક અમલીકરણ માટે સાતમ અને આઠમના બે દિવસ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા તમામ સંવેદનશીલ પોઇન્ટ્સ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 3 સપ્ટેમ્બર એટલે કે સાતમના દિવસે પોલીસે વિવિધ વિસ્તારોમાં અચાનક છાપા મારીને પ્રોહીબિશન ધારા હેઠળ કુલ 76 કેસો કર્યા હતા અને ₹2,67,260 ની કિંમતનો ગેરકાયદે દારૂ તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 4 સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમીના દિવસે પણ ઝુંબેશ ચાલુ રાખીને વધુ 70 કેસો દાખલ કરી 70 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આમ, માત્ર 48 કલાકના ટૂંકા ગાળામાં 146 કેસો નોંધીને પોલીસે બૂટલેગરો અને નશાખોરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો. 23 ગુનાઓમાં 136 જુગારીઓ રંગેહાથ ઝડપાયા તહેવારોના દિવસોમાં જુગાર રમવાની વર્ષો જૂની અનિષ્ટ પ્રથા સામે પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી મકાનો, ધાબાઓ અને ખુલ્લી જગ્યાઓ પર સતત વોચ ગોઠવવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ અલગ-અલગ પોલીસ મથકોમાં જુગારધારા હેઠળ કુલ 23 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં જુગાર રમતા કુલ 136 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જુગારના અડ્ડાઓ પરથી લાખો રૂપિયાની રોકડ રકમ તેમજ પત્તા અને અન્ય સાધન-સામગ્રી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછા અને કાપોદ્રામાં ધાબા-ગેલેરીઓમાંથી મહિલાઓ સહિત શખ્સો પકડાયા હીરા ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા વરાછા, કાપોદ્રા અને પુણાગામ વિસ્તારમાં જુગારના સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. વરાછાના જગદીશ નગર સ્થિત હરિદર્શન એપાર્ટમેન્ટમાં પોલીસે બે અલગ-અલગ દરોડા પાડ્યા હતા, જેમાં એક ફ્લેટમાંથી 4 મહિલાઓ અને 5 પુરુષો મળી કુલ 9 લોકો ₹16,750 ના મુદ્દામાલ સાથે તેમજ સીડીના પેસેજમાંથી ડિલિવરી બોય સહિત 3 લોકો ₹16,980ની રોકડ સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત વરાછાની ઘનશ્યામ નગર સોસાયટીના મકાન નંબર 196 માંથી 6 લોકો ₹10,620 અને મકાન નંબર 195 માંથી 12 લોકો ₹11,250 ની રોકડ સાથે ઝડપાયા હતા. જ્યારે એસએમસી ટેનામેન્ટના ખુલ્લા પ્લોટમાંથી 10 લોકો, નાના વરાછાની શક્તિ વિજય સોસાયટીમાંથી 9 લોકો ₹13,250 અને કાપોદ્રાની અક્ષર ડાયમંડ સોસાયટીની લોબીમાંથી 6 લોકો ₹12,400 સાથે ઝડપાયા હતા. રત્નકલાકારો, વેપારીઓ અને કાર મેળાના સંચાલકો પણ પત્તા ટીંચતા ઝડપાયા પોલીસ કાર્યવાહીમાં એવી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે કે ઝડપાયેલા 136 આરોપીઓમાં માત્ર રીઢા જુગારીઓ જ નહોતા, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત ગણાતા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો પણ સામેલ હતા. ઝડપાયેલાઓમાં મોટો વર્ગ હીરા ઘસતા રત્નકલાકારોનો હતો. સરથાણા વિસ્તારમાં આવેલા અવની કાર મેળામાંથી મેડિકલ સ્ટોરના સંચાલક, ઓનલાઇન વેપારી, એમ્બ્રોઇડરી કારખાનેદાર તેમજ કાર લે-વેચ કરતા 7 શખ્સો ₹11,920 સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત સિંગણપોરની બાપા સીતારામ સોસાયટીમાંથી કોલેજિયન વિદ્યાર્થી અને હોઝિયરી વેપારી સહિત 7 લોકો ₹10,680 સાથે તેમજ અન્ય સ્થળોએથી ફૂલ વેચનારા, શાકભાજીના ફેરિયા અને ઓનલાઇન ડિલિવરી બોય પણ જુગાર રમતાં પોલીસ સકંજામાં આવી ગયા હતા. પાલમાં જરી કામદારો પાસેથી સૌથી મોટો ₹91,000નો મુદ્દામાલ જપ્ત સમગ્ર ઝુંબેશ દરમિયાન સૌથી મોટી રકમ પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મળી આવી હતી. પાલ સ્થિત સુમન મુદ્રા આવાસની બિલ્ડિંગ નંબર 20 પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા 9 જરી કામદારોને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ₹91,000 ની માતબર રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત કતારગામ જીઆઈડીસી ખાતા નંબર પી-349 માંથી 8 શખ્સો પાસેથી ₹43,710 તેમજ અશ્વિનીકુમાર વિસ્તારના મોહનનગર ખાતા નંબર 21 માંથી 4 લોકો પાસેથી ₹27,000 ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. ધાબા, ગેલેરી અને નદી કિનારે ચાલતા અડ્ડાઓ પર પણ ત્રાટકી પોલીસ પોલીસની નજરથી બચવા માટે જુગારીઓએ સોસાયટીઓના ધાબા અને નદી કિનારા જેવા નિર્જન સ્થળોની પસંદગી કરી હતી, પરંતુ પોલીસે ડ્રોન અને બાતમીદારોની મદદથી તમામને શોધી કાઢ્યા હતા. અશ્વિનીકુમાર વિસ્તારની ખોડીયાર નગર સોસાયટીમાંથી ₹11,320 અને શ્વેત રાજહંસ સોસાયટીના ધાબા પરથી ₹10,000 સાથે 4-4 લોકો પકડાયા હતા. આ ઉપરાંત મોહનબાગની ગેલેરીમાંથી 8 લોકો ₹10,220 સાથે, પુણાગામ નારાયણ નગરના ધાબા પરથી 4 લોકો ₹13,520 સાથે અને ગીતા નગરમાંથી 6 લોકો ₹10,000 સાથે ઝડપાયા હતા. ચોક બજારના પ્રભુનગરમાં બે અલગ રેડ પાડી 11 શખ્સો પાસેથી ₹20,310 તેમજ સિંગણપોરમાં તાપી નદીના પાળા પાસે વનજારાવાસમાંથી 3 શખ્સોને ₹15,100 ની રોકડ સાથે પકડી પાડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું
Read full article on Divya Bhaskar