top
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ:રાજકોટમાં યુવક કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ દ્વારા અટકાયત, ગણપતિ વિસર્જન માટે 1383 પોલીસ જવાનો તૈનાત રહેશે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે આજે રાજકોટ શહેર તથા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રેસકોર્ષ રિંગ રોડ સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસે બપોરે 3:30 વાગ્યે આક્રમક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન યુવક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચ તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર અને જિલ્લા યુવક કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીએ જણાવ્યું હતું કે, અખબારી અહેવાલો મુજબ ચૂંટણી કમિશનરની 3 સભ્યોની પેનલમાંથી 2 સભ્યો દ્વારા જ્ઞાનેશ કુમાર સામે 14 વાર વાંધા ઉઠાવવા છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી જે 'વોટ ચોરી'નો આક્ષેપ કરી રહ્યા છે, તે જ રીતે ભાજપ ચૂંટણીઓ જીતી રહ્યું છે. તેથી હવે યુવક કોંગ્રેસની માંગ છે કે, જ્ઞાનેશ કુમાર તાત્કાલિક મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપે અને તેમની ધરપકડ કરવામાં આવે. રાજકોટમાં ગણપતિ વિસર્જન માટે 6 સ્થળોએ 1383 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત રાજકોટ શહેરમાં ગણપતિ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા આખી રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે. આવતીકાલે શહેરની ભાગોળે આવેલા 6 જુદા-જુદા સ્થળો પર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. આ પ્રસંગે ભક્તોની સુરક્ષા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ 3 ડીસીપી, 4 એસીપી, 18 પીઆઈ અને 46 પીએસઆઇ સહિત કુલ 1383 પોલીસ, ટીઆરબી અને જીઆરડી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મૂર્તિ વિસર્જન માટે પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે, ન્યારાના પાટીયા પાસે જામનગર રોડ પર, બાલાજી વેફર્સ સામે કાલાવડ રોડ પર તથા આજી ડેમ ઓવરફ્લો નીચેના સ્થળો સુનિશ્ચિત કરાયા છે. કટોકટીના સમયે સંપર્ક કરવા માટે 112, મહિલા સહાય માટે 181, નાર્કોટિક્સ માટે 1908 અને સાયબર માટે 1930 હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આ નક્કી કરાયેલા સ્થળો સિવાય પીવાના કે વપરાશના પાણીના જળસ્ત્રોતમાં મૂર્તિ વિસર્જન કરવા પર તેમજ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ધાર્મિક સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને વિસર્જન પહેલાં મૂર્તિ પરથી હાર, ફૂલ અને વસ્ત્રો ઉતારી લેવાના રહેશે. વિસર્જન સ્થળોએ સિન્થેટિક લાઇનર પાથરીને 48 કલાકમાં મૂર્તિઓ સાથે બહાર કાઢવાની રહેશે તથા પાણીની શુદ્ધતા માટે ફટકડી નાખવાની કામગીરી કરાશે. વિસર્જન યાત્રા દરમિયાન રાહદારીઓ કે મિલકતો પર રંગો છાંટવા, બીભત્સ કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા અને સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ રહેશે. રાજકોટ મનપાનાં 382 ટીપી પ્લોટ પર દબાણ છે જરૂર પડે ત્યારે હટાવશું; તંત્રનો આશ્ચર્યજનક જવાબ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ટીપી યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવેલા અનામત પ્લોટ પર મોટા પ્રમાણમાં દબાણ થયા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ કુલ 1691 અનામત પ્લોટમાંથી 382 પ્લોટ દબાણગ્રસ્ત હોવાનું તંત્ર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઝોન વાઈઝ આંકડા જોઈએ તો સૌથી વધુ દબાણ વેસ્ટ ઝોનમાં 219 પ્લોટ, ઈસ્ટ ઝોનમાં 102 પ્લોટ અને સેન્ટ્રલ ઝોનમાં 61 પ્લોટ પર જોવા મળ્યું છે. હાલ સમગ્ર શહેરમાં માત્ર 534 પ્લોટ જ ખાલી સ્થિતિમાં છે. આ પ્લોટો પર રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક પ્રકારના દબાણો ઊભા થઈ ગયા છે. દબાણ દૂર કરવાની કામગીરી અંગે મનપા તંત્રે આશ્ચર્યજનક જવાબ આપતા જણાવ્યું હતું કે આ દબાણો હટાવવા માટે હાલ કોઈ ચોક્કસ સમયમર્યાદા કે સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી. જાહેર હિત અને રસ્તાના કામો, લોકોની રજૂઆત કે વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે જ્યારે જમીનની જરૂરિયાત ઊભી થશે ત્યારે જ આ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી પણ અમુક કામગીરીમાં મર્યાદા હોવાનું તંત્રે જણાવ્યું છે. રાજકોટ સિવિલમાં સર્જરીમાં વધુ ચોકસાઈ અને ઝડપ આવશે, ઓર્થોપેડિક વિભાગમાં IITV તથા સોનોગ્રાફી મશીન કાર્યરત સૌરાષ્ટ્રભરનાં તમામ દર્દીઓને સમયસર, સચોટ અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે હેતુથી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં આધુનિક IITV મશીન તથા સોનોગ્રાફી મશીનનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. IITV મશીન દ્વારા ઓપરેશન દરમિયાન શરીરના અંદરના ભાગોની રિયલ-ટાઇમ ઈમેજિંગ સુવિધા ઉપલબ્ધ થશે, જેથી ઓર્થોપેડિક સર્જરી દરમિયાન જરૂરી પ્રક્રિયાઓ વધુ ચોકસાઈપૂર્વક કરી શકાશે. બીજી તરફ, નવી સોનોગ્રાફી મશીનના કારણે દર્દીઓની જરૂરી તપાસ હોસ્પિટલમાં જ વધુ સરળતાથી અને સમયસર થઈ શકશે. આ આધુનિક સાધનો ઉપલબ્ધ થવાથી દર્દીઓને તપાસ અને સારવાર માટે બહારની હોસ્પિટલો કે લેબ પર નિર્ભર રહેવું નહીં પડે. સાથે જ, સમયસર નિદાન થવાથી યોગ્ય સારવારનો માર્ગ સરળ બનશે. દર્દીના આરોગ્ય, સમય અને સુવિધાને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ સુવિધા સિવિલ હોસ્પિટલની "દર્દી પ્રથમ"ની ભાવનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે.
Read full article on Divya Bhaskar