crime
પ્રાંતિજ નજીક વડવાસ પાસે અકસ્માત:બાઇક સ્લિપ થતાં યુવકનું મોત, થેલીમાંથી રૂ.1.46 લાખનો 2.9 કિલો ગાંજો જપ્ત કર્યો
પ્રાંતિજ તાલુકાના વડવાસ નજીક નેશનલ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતે નાર્કોટિક્સના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. વડવાસા ગામના પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા અમદાવાદના યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેની સાથે રહેલા સામાનની પોલીસે તલાશી લેતાં કોલેજ બેગ તથા પ્લાસ્ટિકની થેલીમાંથી ₹1.46 લાખની કિંમતનો 2.928 કીલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બીજી તરફ, ગંભીર ઈજાગ્રસ્ત બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાંતિજ પીઆઈ ડી.આર. પઢેરીયાએ વિગત આપતા જણાવ્યું કે પીએસઆઈ એન.સી. ગોહિલ અને સ્ટાફને દરમિયાન બાતમી મળી હતી કે વડવાસા પાસે બાઈક નં GJ-38-AC-5892 અકસ્માતગ્રસ્ત થતાં ચાલક અક્ષયકુમાર પી. ગોહેલ (રહે. અશોકવાડી, સરસપુર, અમદાવાદ) ગંભીર ઈજાગ્રસ્ત થયો છે અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સામાન સાથે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ લવાયો છે. પોલીસે હોસ્પિટલ પહોંચી તેના સામાનની તપાસ કરતા મરૂન કલરની કોલેજ બેગ અને કાળી પ્લાસ્ટિકની થેલીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹1,46,400ની કિંમતનો 2.928 કિલોગ્રામ ગાંજો, રોકડા ₹400, ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અકસ્માતમાં ગંભીર ઘવાયેલા આરોપી અક્ષયકુમારનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. પ્રાંતિજ પોલીસે એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar