top
15 દિવસમાં 60 કરોડ મીટર ઉત્પાદન ઘટશે:સાયણ ઝોનમાં વીવર્સોની મહત્વની બેઠક, આર્થિક સંકટ સામે સામૂહિક વેકેશનનો નિર્ણય
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને દિવાળી પછીની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે આજે સુરત વીવર્સ એસોસિએશન સાયણ ઝોનની એક અગત્યની મીટિંગ યોજાઈ હતી. માર્કેટમાં લેવાલી ન હોવાથી કારખાનેદારો પાસે તૈયાર કાપડનો મોટો સ્ટોક જમા થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે કાચા માલ એટલે કે યાર્નના ભાવ વધી રહ્યા છે અને બજારમાં લિક્વિડિટી ઘટી રહી છે. આ તમામ આફતોનો સામનો કરવા તેમજ આર્થિક સ્થિતિ સુધારવા માટે તમામ વીવર્સોએ એકત્ર થઈને દિવાળી વેકેશન લાંબુ રાખવાનો સામુહિક અને સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. 15 દિવસમાં 60 કરોડ મીટર કાપડ પાઇપલાઇનમાંથી ઘટશે આ નિર્ણયથી સમગ્ર વર્ષ દરમિયાન કાપડ ઉદ્યોગમાં સપ્લાય અને ડિમાન્ડનું સંતુલન જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં દૈનિક અંદાજે 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. જો દિવાળી વેકેશન 15 દિવસ સુધી લંબાવવામાં આવે તો પાઇપલાઇનમાંથી આશરે 60 કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઓછું થશે. ઉત્પાદન ઘટવાને કારણે માર્કેટમાં રહેલો ભરાવો હળવો થશે અને વેપારીઓને રોકડ પ્રવાહ જાળવવામાં મદદ મળશે, જેનાથી આવનારું આખું વર્ષ ઉદ્યોગ માટે ફાયદાકારક રહેશે. વીજ ધાંધિયા સામે DGVCLમાં રજૂઆત કરાશે વિજય માંગુકિયા, વીવર્સ અગ્રણીએ જણાવ્યું હતું કે, ડિમાન્ડના અભાવે સ્ટોક વધી રહ્યો છે અને યાર્ન મોંઘું થતાં લિક્વિડિટી ઘટી રહી છે. 15 દિવસના વેકેશનથી 60 કરોડ મીટર કાપડ પાઇપલાઇનમાંથી ઓછું થશે, જેથી આખું વર્ષ સારું જશે. સાથે જ DGVCLના ધાંધીયા અને વિક્ષેપિત પાવરને લીધે કોસ્ટિંગ ઊંચું આવી રહ્યું છે, જેથી રજાઓમાં અવિરત પાવર માટે રજૂઆત કરીશું.
Read full article on Divya Bhaskar