crime
160 ટેલિકોલર્સનું સામ્રાજ્ય અને ટાર્ગેટ ફક્ત મહિલાઓ, VIDEO:સ્કીનની દવાના નામે વેઇટલોસની દવા પધરાવતા માસ્ટરમાઈન્ડને સુરત સાયબરે દબોચ્યા, ગ્રાહકો પાસેથી 21 કરોડથી વધુની લૂંટ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશભરની મહિલાઓને ટાર્ગેટ બનાવી બ્યુટી અને હેલ્થ કેર પ્રોડક્ટ્સના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ 'Curest Science Wellness' જેવી બોગસ કંપનીઓ ઉભી કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્કીન પ્રોબ્લેમ દૂર કરવા તથા વજન ઝડપથી ઉતારવાના આકર્ષક પેકિંગવાળી દવાઓના ફોટો-વીડિયો મૂકી મહિલાઓને લલચાવતા હતા. મહિલાઓ જ્યારે સંપર્ક કરે ત્યારે તેમની નિર્દોષતાનો ગેરલાભ ઉઠાવી, ફેક મેડિકલ કન્સલ્ટેશન આપી નકલી કે વિપરીત પ્રકારની દવાઓ ઊંચી કિંમતે પધરાવી દેવામાં આવતી હતી. આ સંગઠિત ક્રિમિનલ સિન્ડિકેટ દ્વારા સ્કીન કેરના ઓર્ડર સામે વજન ઉતારવાની દવાઓ મોકલી અનેકગણી રકમ વસૂલવાનું મોટું ગુનાહિત કાવતરું ચલાવવામાં આવી રહ્યું હતું. સુરતમાં મહિલા સાથે વિશ્વાસઘાત અને અગાઉ ₹1.77 કરોડ પડાવ્યાનો ભેદ ઉકેલાયો સુરત સાયબર ક્રાઈમ સેલમાં તાજેતરમાં નોંધાયેલી એક ફરિયાદમાં મહિલાને વોટ્સએપ પર આરોપીઓએ પોતાની ઓળખ ડૉ. આકાશ મલ્હોત્રા તરીકે આપી હતી. આરોપીઓએ સ્કીનની સમસ્યાના ઈલાજ પેટે Curest Science Wellness કંપનીના QR કોડ મારફતે ₹8,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, સ્કીનની દવાના બદલે કુરિયર મારફતે વજન ઘટાડવાની પ્રોડક્ટ મોકલી આપી હતી. ત્યારબાદ અગાઉની રકમ પરત કર્યા વગર સ્કીનની દવા મોકલવાના નામે વધુ ₹9,000 પડાવી ઠગાઈ આચરી હતી. આ અગાઉ પણ સુરતની જ એક મહિલા પાસેથી વજન ઉતારવાની દવાના બહાને આ કંપનીએ માત્ર 5 મહિનામાં કટકે કટકે ₹1,77,40,500 પડાવી લીધા હતા, જેના તાર આ નવી ફરિયાદ સાથે સીધા જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. કંપનીના કર્મચારીઓને ફ્લાઇટ-ટ્રેન મારફતે મોકલી હાથોહાથ કેશ કલેક્શન કરતા આ સિન્ડિકેટની ગુનો આચરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ચતુરાઈભરી હતી. આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો ચલાવી કોઈ જાણીતી સ્ટાન્ડર્ડ કુરિયર કંપની મારફતે પાર્સલ મોકલાશે તેવો વિશ્વાસ આપતા હતા પરંતુ, હકીકતમાં ડિજિટલ મની ટ્રેલ છુપાવવા માટે તેઓ દિલ્હી-ગુરુગ્રામથી પોતાની જ ઓફિસના એમ્પ્લોયીઝને ફ્લાઇટ કે ટ્રેન મારફતે કુરિયર બોય બનાવી અલગ-અલગ શહેરોમાં મોકલતા હતા. સુરતના અગાઉના કેસમાં 'રાહુલ રાજ' નામ ધારણ કરનાર કુરિયર બોય નિયમિત સુરત આવી મહિલાને પાર્સલ આપી કરોડો રૂપિયા રોકડા દિલ્હી લઈ જતો હતો. કંપની રોકડ કલેક્શન એટલા માટે કરતી હતી. જેથી, સરકારી એજન્સીઓ કે ઇન્કમટેક્સની નજરમાં તેમનો મૂળ વ્યવહાર ન આવે અને આઈટીઆરમાં કંપની ખોટ કરતી બતાવી શકાય. ગુરુગ્રામમાં 160 ટેલિકોલર્સનું કોલ સેન્ટર ઝડપાયું સુરત સાયબર ક્રાઈમની ટીમે અગાઉ ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી સુરતમાં કેશ લેવા આવેલા કુરિયર બોયને ટ્રેપ કરીને ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછના આધારે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કંપનીના વિશાળ કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન આશરે 160 જેટલા ટેલિકોલર્સ, હેલ્થ એડવાઈઝર્સ અને કુરિયર બોયઝનો સ્ટાફ હાજર મળી આવ્યો હતો, જેઓ રોજેરોજ દેશભરની સેંકડો મહિલાઓને ફોન કરીને ટાર્ગેટ બનાવતા હતા. તે સમયે સ્થાનિક સ્તરે 4 આરોપીઓને ઝડપી લેવાયા હતા પરંતુ, કંપનીના મુખ્ય સૂત્રધારો, ડિરેક્ટર્સ અને પાર્ટનર્સ સ્થળ પરથી ફરાર થઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સાયબર સેલે પીછો છોડ્યા વિના ટેકનિકલ એનાલિસિસ ચાલુ રાખી તમામ મુખ્ય આરોપીઓની કડી મેળવી લીધી હતી. B.Tech અને BBA પાસ ડિરેક્ટર્સ સહિત 5 માસ્ટરમાઈન્ડની ધરપકડ સાયબર ક્રાઇમ સેલે લાંબી વોચ બાદ ગુનામાં સામેલ મુખ્ય 5 માસ્ટરમાઇન્ડ્સની ધરપકડ કરી છે. જેમાં 31 વર્ષીય અમિત ગૌરવ અશોકકુમાર ઝા (B.Tech પાસ અને Curest Science તેમજ Glozenic Skin Careનો ડિરેક્ટર), 30 વર્ષીય પંકજ અજયકુમાર શર્મા (BBA પાસ, Curest Science અને Divya Antra Wellness નો ડિરેક્ટર), 43 વર્ષીય રૂપેશકુમાર સતીશ બત્રા (ધોરણ 10 પાસ, પડદા પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અને પાર્ટનર), 43 વર્ષીય પુનીતકુમાર રાજકુમાર (પાર્ટનર, જેણે કુરિયર બોય ઓમપ્રકાશના નામે Vedic World કંપની ઊભી કરી હતી) અને 24 વર્ષીય દિપકકુમાર સુનીલકુમાર ગુપ્તા (કંપનીનો મેનેજર) નો સમાવેશ થાય છે. આરોપીઓએ લોકોની આંખમાં ધૂળ નાખવા માટે Curest Science ઉપરાંત Vedic World, Divya Antra Wellness LLP અને Glozenic Skin Care નામની 4 બોગસ કંપનીઓ બનાવી રાખી હતી. 'રોકડમાં કરોડો મેળવી આઈટીઆરમાં ખોટ બતાવતા હતા': DCP બિશાખા જૈન સુરત સાયબર ક્રાઈમના DCP બિશાખા જૈને સમગ્ર ઓપરેશન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે,"મહિલા ફરિયાદીએ ₹8,000માં સ્કીનની દવા ઓર્ડર કરી હતી પરંતુ, કુરિયર બોય વજન ઘટાડવાની પ્રોડક્ટ આપી રોકડ લઈ ગયો હતો. નવી ફરિયાદ મળતાં વધુ ટેક્નિકલ પુરાવા મળ્યા અને અંડરગ્રાઉન્ડ થયેલા તમામ પાંચેય મુખ્ય માસ્ટરમાઇન્ડ્સને હવે અરેસ્ટ કરી લેવાયા છે. આરોપીઓ વાઇટ રેકોર્ડ્સમાં માત્ર સેલરી પે-આઉટ દર્શાવી લૉસ બતાવતા હતા. જ્યારે વાસ્તવિક ગેરકાયદે વ્યવહારો રોકડમાં થતા હતા. આ કંપની વિરુદ્ધ ગુજરાત ઉપરાંત બંગાળ સહિત દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિ ફેલાયેલી હતી." બેંક એકાઉન્ટ્સ અને રેઝરપેમાં ₹21 કરોડથી વધુના વ્યવહારો પોલીસ તપાસમાં કંપનીના આર્થિક વ્યવહારોની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં IDFC ફર્સ્ટ બેંકના એકાઉન્ટમાંથી 1 જાન્યુઆરી, 2026થી 29 જૂન, 2026 સુધીમાં ₹6,99,06,268ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે તેમજ કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાંથી 7 એપ્રિલ, 2025થી 29 જૂન, 2026 દરમિયાન ₹6,58,19,741ના વ્યવહારો મળ્યા છે. આ સિવાય ફિનટેક પ્લેટફોર્મ રેઝરપે મર્ચન્ટ એકાઉન્ટ દ્વારા ₹8,30,95,532ના વ્યવહારો મળી કુલ ₹21.88 કરોડથી વધુની લેવડદેવડ સામે આવી છે. NCRB પોર્ટલ પર આ કંપની વિરુદ્ધ ગુજરાતમાં અન્ય 2 ફરિયાદો અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોની અનેક મહિલાઓ સાથે ઠગાઈ થઈ હોવાના પુરાવા મળ્યા છે, જેના પગલે સાયબર સેલે વધુ તપાસ તેજ બનાવી છે.
Read full article on Divya Bhaskar