top
વલસાડમાં ડેરીમાં ચોરી કરનાર બે આરોપી ઝડપાયા:મહારાષ્ટ્રની સિખ ગેંગના બે સાગરીતોની અટકાયત, રોકડ સહિત રૂ.17,380નો મુદ્દામાલ કબજે
વલસાડ શહેરના નાની ખત્રીવાડ વિસ્તારમાં રેમન્ડ શો રૂમ સામે આવેલી દિલિપ ડેરીને મોડી રાત્રે ચોરોએ નિશાન બનાવી હતી. ડેરીનું શટર વાળીને અંદર ઘૂસેલા એક શખ્સે ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જોકે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં મોટી ચોરી થાય તે પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વેપારીએ CCTVમાં લાઈવ ફૂટેજ જોઈ પોલીસને જાણ કરી દિલિપ ડેરીના માલિક પ્રણવભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ ગુરુવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન રાત્રે આશરે 12:50થી 1:10 વાગ્યાના સમયગાળા દરમિયાન ડેરીના બીજા માળે રહેતા કર્મચારી ગુણવંતભાઈએ દુકાનમાંથી અવાજ આવતો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ પ્રણવભાઈએ મોબાઈલમાં CCTVનું લાઈવ ફૂટેજ ચેક કરતાં માથા પર પાઘડી પહેરેલો શખ્સ શટર વાળીને દુકાનમાં ઘૂસતો અને રોકડ ચોરતો જોવા મળ્યો હતો. વેપારીએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. સ્ટેડિયમ રોડ પર ફિલ્મી ઢબે આરોપીઓ ઝડપાયા માહિતી મળતાં જ વલસાડ સિટી પોલીસની બે PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી. CCTVના આધારે આરોપીઓનું વર્ણન મેળવી પોલીસે આસપાસના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. દરમિયાન આઝાદ ચોકથી સ્ટેડિયમ રોડ તરફ કાળા રંગની બેગ સાથે જતા બે શખ્સો પોલીસની વાન જોઈને ભાગવા લાગ્યા હતા. પોલીસે કોર્ડન કરી બંનેને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના વતની પોલીસે ઝડપેલા આરોપીઓની ઓળખ 20 વર્ષીય અજય અમર સિંહ લબાના અને 25 વર્ષીય ઋષિ સોનુ સિંગ તરીકે થઈ છે. બંને મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના હોવાનું સામે આવ્યું છે. રોકડ સહિત રૂ.17,380નો મુદ્દામાલ કબજે પોલીસે પંચોની હાજરીમાં આરોપીઓની અંગઝડતી લેતાં તેમની પાસેથી ડેરીમાંથી ચોરેલા રૂ.2,380 રોકડા, રૂ.15 હજારની કિંમતના બે સ્માર્ટફોન, આઇફોન-13 અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું રૂ.300ની કિંમતનું પીળા હાથાવાળું મોટું ડિસમિસ મળી આવ્યું હતું. પોલીસે કુલ રૂ.17,380નો મુદ્દામાલ કબજે કર્યો છે. BNSની કલમો હેઠળ ગુનો નોંધાયો આ સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે BNSની કલમ 305(a), 331(4) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીની સતર્કતા અને પોલીસની તાત્કાલિક કામગીરીના કારણે ચોરીની ઘટનાનો ભેદ ગણતરીની મિનિટોમાં ઉકેલાયો હતો.
Read full article on Divya Bhaskar