top
ચૂંટણી:થરા નગરપાલિકાના પ્રમુખ પદે ભાજપના ડો.અશ્વિની ઠક્કર 18 મતો મેળવી વિજેતા
ઓગડ તાલુકાની થરા નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મંગળવારે યોજાઇ હતી. જેમાં ભાજપના મહિલા ઉમેદવાર 5 વિરુદ્ધ 18 મતોથી વિજેતા થયા હતા. સાથે ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી હતી. ઓગડ તાલુકાની થરા નગરપાલિકાની 11 ઓક્ટોબરે ચૂટંણી યોજાઇ હતી. જેનું પરિણામ 13 ઓક્ટોબરે જાહેર થયું હતુ.જેમાં ભાજપનો 19 બેઠકો ઉપર જયારે કોંગ્રેસનો 5 બેઠકો ઉપર વિજય થયો હતો. દરમિયાન મંગળવારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે ડો.અશ્વિનીબેન કિરીટકુમાર ઠક્કરને મેન્ડેટ આપ્યું હતુ. સામે પક્ષે કોંગ્રેસના રમીલાબેન પ્રવિણજી ધાંઘોસે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. આ અંગે ચૂંટણી અધિકારી કિશનદાન ગઢવી અને ચીફ ઓફિસર જીગ્નેશ બારોટે જણાવ્યું હતું કે, ભાજપના 18 સભ્યો જયારે કોંગ્રેસના 5 સભ્યો હાજર રહ્યા હતા. ભાજપના 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા. ચૂંટણીમાં અશ્વિનીબેન ઠક્કરને 18 મત મળતાં પ્રમુખ પદે વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે રમીલાબેનને 5 મત મળ્યા હતા. જયારે ઉપપ્રમુખ જશીબેન સેમાભાઇ પટેલની બિનહરીફ વરણી કરાઇ હતી.જયારે કારોબારી ચેરમેન ધવલકુમાર મંગળદાસ ઝવેરી, પક્ષના નેતા વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા, દંડક તરીકે વિજયકુમાર પરબતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar