crime
પંચમહાલની યુવતી પોરબંદર રેલવે સ્ટેશનેથી મળી:181 અભયમ ટીમે પરિવારનો સંપર્ક કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો
પોરબંદર રેલવે સ્ટેશન પરથી એક યુવતી મળી આવતા રેલવે પોલીસે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. યુવતીને મદદની જરૂર હોવાથી અભયમની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ટીમે યુવતીને આશ્વાસન આપી તેની સાથે વાતચીત કરી હતી. પૂછપરછ દરમિયાન યુવતી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ટ્રેનમાં બેસી પોરબંદર પહોંચી યુવતી ગભરાયેલી હોવાથી અભયમ ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેની મોટી બહેન સાથે ઝઘડો થતાં પિતાએ બંનેને ઠપકો આપ્યો હતો. આ વાતનું મનમાં લાગી આવતાં તે બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન પર પહોંચતાં ત્યાંથી ઉપડતી ટ્રેનમાં બેસી ગઈ હતી અને ટ્રેન મારફતે પોરબંદર પહોંચી હતી. જોકે, પોરબંદર આવ્યા બાદ ઘરે કેવી રીતે પરત જવું તેની સમજ ન પડતાં તે રેલવે સ્ટેશન પર જ બેસી રહી હતી. ગોધરા પોલીસના સંપર્કથી પરિવારને પુત્રી સુરક્ષિત હોવાની જાણ કરાઈ અભયમ ટીમે ગોધરા પોલીસ સ્ટેશનના સંપર્ક દ્વારા યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. યુવતીના પિતાને તેમની પુત્રી પોરબંદરમાં સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ પુત્રીને લેવા માટે પોરબંદર આવવાની તૈયારી દર્શાવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો યુવતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181 અભયમ ટીમે તેને હાલના સમયમાં બનતા બનાવો અંગે સમજણ આપી હતી. ત્યારબાદ યુવતીને સુરક્ષિત આશ્રય મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરીમાં રેલવે પોલીસ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સંકલન કરીને યુવતીને મદદ પૂરી પાડી હતી.
Read full article on Divya Bhaskar