top
પાટણના 1.88 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં સહાય જમા:24મા હપ્તામાં કુલ ₹37.70 કરોડ ચૂકવાયા; શાકભાજી માર્કેટ યાર્ડમાં ઉત્સવ દિવસ યોજાયો
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા તરીકે પાટણ જિલ્લાના 1,88,524 ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. 37.70 કરોડ જમા થયા છે. આ નિમિત્તે પાટણ શાકભાજી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ યોજાયો હતો. દેશભરમાં યોજાયેલા ઉત્સવ દિવસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ભીલડીથી ખેડૂતોને સંબોધ્યા હતા. તેમણે યોજનાના 24મા હપ્તા તરીકે પ્રતિ ખેડૂત રૂ. 2,000ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ખાતામાં જમા કરાવી હતી. પાટણના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ભીલડીથી વડાપ્રધાનના સંબોધન અને સહાય વિતરણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પાટણ જિલ્લાના ખેડૂતોને મળેલી આ રકમ ખેતીને લગતી જરૂરિયાતો માટે છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે જણાવ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓના લાભ ખેડૂતો સુધી સીધા પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમણે પીએમ કિસાન યોજનાને ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટેની પહેલ ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે નર્મદાનું પાણી મળવાથી વિસ્તારની ખેતી અને વિકાસને વેગ મળ્યો છે. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વમંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, અધિક નિવાસી કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા અને APMC ચેરમેન સ્નેહલ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar