crime
રાજકોટમાં બ્યુટી પાર્લર સંચાલિકાની હત્યાનો ભેદ ઉકેલાયો:ક્રાઇમ બ્રાન્ચે આગ્રાના સગા બે ભાઈઓની કરી ધરપકડ, આરોપીઓ રૂ.2 લાખની લોન ભરપાઈ કરવા એકલી રહેતી મહિલાના ઘરમાં ઘુસી હત્યા નિપજાવી રૂ.40,000ની લૂંટ ચલાવી'તી
• પોલીસને શક ન જાય તે માટે આરોપીઓ નાસી છૂટવા બદલે બાજુમાં જ રહી હલચલ નિહાળતા હતા રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ ઘરમાં એકલી રહેતી બ્યુટીપાર્લર સંચાલિકાની તીક્ષ્ણ હથિયારના એક ધારદાર ઘા ઝીંકી હત્યા નિપજાવવાના રહસ્યમય કેસમાં આખરે પોલીસને સફળતા મળી છે જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાડોશમાં જ રહેતા આગ્રાના બે સગા ભાઈઓની ધરપકડ કરી હત્યાનો બ્લાઇન્ડ કેસ શોધી કાઢ્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા રૂપિયા 2 લાખની લોન ભરપાઈ કરવા માટે લૂંટના ઇરાદે મહિલાના ઘરમાં પ્રવેશ કરી મહિલાએ પ્રતિકાર કરતા કેટરિંગમા. વપરાતી મોટી ધારદાર છરીનો એક ઊંડો ઘા ક્રૂરતા પૂર્વક મારી હત્યા નિપજાવ્યા બાદ ઘરમાંથી રોકડ રૂપિયા 40,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. આ પછી આરોપી પરત અગાસીમાંથી જ બાજુમાં જ પોતાના ઘરમાં જતા રહ્યા હતા અને પુરાવાનો નાશ કરવા માટે પોતાની અગાસીમાં લોહી વાળા કપડાં સળગાવી દીધા હતા અને છરી ફેંકી દીધી હતી. રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના યુનિવરિસ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટ પાછળ ઘરમાં એકલા રહેતા 55 વર્ષીય બ્યુટીપાર્લર સંચાલિકા ગીતાબેન વાજાની હત્યા કરાયેલ હાલતમાં 17 સપ્ટેમ્બરના રોજ લાશ મળી હતી. આ પછી પોલીસે તેના પતિની ફરિયાદ આધારે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. છેલ્લા 5-6 વર્ષથી એકલી રહેતી મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે પ્રથમ તેના પતિ, પુત્ર, પ્રેમી, ભાઈ, તેમજ સાથે કામ કરતી મહિલા અને આસપાસના લોકોની પુછપરછ શરૂ કરી હતી. પોલીસ તમામની આગવી ઢબે પુછપરછ કરવા છતાં હત્યારા સુધી પહોંચી શકાયું ન હતું. આ પછી ગઈકાલે ફરી પોલીસ દ્વારા આસપાસમાં રહેતા લોકોની હિલચાલ પર નજર રાખી હતી જેમાં પાડોશમાં જ એક ઘર છોડી બાજુમાં જ રહેતા આગ્રાના રહેવાસી અને છેલ્લા દોઢ બે માસથી રાજકોટમા રહી કેટરિંગમાં કામ કરતા બે સગા ભાઈઓ પર પોલીસની શંકા તેજ બની હતી. આરોપીઓ એવું વિચારતા હતા કે તેઓ નાસી છૂટશે તો પોલીસને તેમના પર શક જશે અને તેઓ પકડાઈ જશે અને જો અહીંયા ને અહીંયા રહી પોલીસની તેમજ બનાવ સ્થળની મુવમેન્ટ નિહાળતા રહેશે તો તેઓ શંકાના દાયરામાં આવતા બચી જશે પરંતુ આ વાત પણ પોલી સુધી પહોંચી ગઈ અને પોલીસે બન્ને ભાઈઓને ઉઠાવી લઇ આગવી ઢબે પુછપરછ કરતા એક ભાઈ ભાંગી પડ્યો હતો અને હત્યા અંગે કબૂલાત આપી દીધી હતી. પોલીસે મૂળ આગ્રાના અને રાજકોટમાં રહેતા 24 વર્ષીય રામનરેશ જાટવ તથા તેનો ભાઈ શનીકુમાર જાટવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તેમને રૂપિયા 2 લાખની લોન લીધી હતી જે ભરપાઈ કરવા માટે રૂપિયાની જરૂરિયાત હતી જેથી પાડોશમાં જ એકલી રહેતી મહિલા પાસે રૂપિયા અથવા ઘરેણાં મળવાની આશાએ બન્ને ભાઈઓએ લૂંટ કરવા પ્લાન ઘડ્યો હતો. આરોપીઓને એ વાતની ખબર હતી કે મહિલાના ઘરે રાત્રીના સમયે મુખ્ય દરવાજો ખુલ્લો હોય છે અને ગેટ બંધ હોય છે માટે અગાસી પરથી નીચે આવી મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન મહિલા જાગી જતા મહિલાએ પ્રતિકાર કરતા આરોપી રામનરેશ જાટવએ પોતાની પાસે રહેલ મોટી તણી જેવી છરીનો ઉપયોગ કરી ક્રૂરતા પૂર્વક ગળાના ભાગે ઉંડો ઘા ઝીંકી દીધો હતો જેના કારણે તેનું મોટ નીપજ્યું હતું અને બાદમાં આરોપીઓ ઘરમાંથી રૂપિયા 40,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ પછી પરત અગાસીમાંથી જ ઘરે ગયા હતા અને પોતાની અગાસીમાં પોટર પહેરેલ કપડાને સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. હાલ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ અર્થે યુનિવર્સીટી પોલીસને હવાલે કરવામાં આવશે જે બાદ આરોપીઓના રિમાન્ડ મેળવી હત્યામાં વપરાયેલ છરી તેમજ લૂંટમાં ગયેલ રકમ રિકવર કરવામાં આવશે. ત્યારે રાજકોટના આ ચકચારી હત્યા કેસમાં કોઈ સીસીટીવી ફૂટેજ ન હોવા છતાં પોલીસે હત્યાનો આ બ્લાઇન્ડ કેસ ઉકેલવા રાત દિવસ એક કરી બન્ને આરોપીઓને ઝડપી પાડી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar