top
2 સોસાયટીમાં 6 ગુંડાએ ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવ્યો, CCTV:ડીંડોલીમાં હથિયારો સાથે આતંક મચાવનાર ઝડપાયા બાદ ઘૂંટણિયે પડ્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર અને ભરતનગરમાં ખુલ્લેઆમ જીવલેણ હથિયારો સાથે આતંક મચાવી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ઊભો કરનારા 6 અસામાજિક તત્વોને ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. ગત 30 ઓગસ્ટની મોડી રાત્રે આ માથાભારે ટોળાએ બંને સોસાયટીઓમાં જાહેરમાં હથિયારો લહેરાવી સ્થાનિક લોકો સાથે મારામારી કરી સુલેહ-શાંતિનો ભંગ કર્યો હતો. રહીશોમાં દહેશત ફેલાવનાર આ અસમાજિક તત્વો સામે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી તમામની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. CCTV ફૂટેજ સામે આવતા જ પોલીસે 6 ગુંડાઓને દબોચ્યા ડીંડોલીના કૃષ્ણનગર અને ભરતનગરમાં અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવેલી ગુંડાગીરીના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળતું હતું કે ટોળા દ્વારા સ્થાનિક લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને ખુલ્લેઆમ આતંક ફેલાવાઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ડીંડોલી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોના આધારે અક્ષય તુકારામ સોનવણે (ઉં.વ. 23), તુષાર ઉર્ફે ખ્વાજા દિલીપ ગાંગુડે (ઉં.વ. 23), પિન્ટુ બલેશ્વરસિંગ રાજપુત (ઉં.વ. 34), શુભમ ઉર્ફે માલ્યા દિપક ચૌહાણ (ઉં.વ. 20), ગોલુ હરી બંજારા (ઉં.વ. 20) અને સુમીત અશોક કામલે (ઉં.વ. 21)ને ઝડપી પાડ્યા હતા. રોફ જમાવીને હથિયારો બતાવી ભય ફેલાવતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ વિસ્તારમાં માથાભારે છાપ ધરાવે છે અને અગાઉ પણ મારામારી, ધાકધમકી તથા જાહેર શાંતિ ભંગ કરવા જેવા અસામાજિક કૃત્યોમાં સંડોવાયેલા રહ્યા છે. ટોળકી બનાવીને સોસાયટીઓમાં સામાન્ય લોકો પર રોફ જમાવવો અને હથિયારો બતાવી ભય ફેલાવવો એ આ ટોળકીની મોડસ ઓપરેન્ડી રહી છે. ડીંડોલી પોલીસે તમામ 6 આરોપીઓની ગુનાહિત કુંડળી ખંખોળવાની સાથે તેઓ ભૂતકાળમાં અન્ય કયા-કયા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. GP એક્ટ હેઠળ અલગ-અલગ 6 ગુના નોંધી કાર્યવાહી ડીંડોલી પોલીસે પકડાયેલા તમામ 6 આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ અને હથિયારબંધી હેઠળ GP એક્ટ કલમ 135 મુજબ અલગ-અલગ 6 ગુના દાખલ કર્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ અસામાજિક તત્વો નિર્દોષ નાગરિકો પર આતંક ન મચાવે તે માટે પોલીસે આ તમામ તત્વો સામે પાસા (PASA) સહિતની કડક અટકાયતી કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar