crime
કતારગામ મર્ડર કેસના હિસ્ટ્રીશીટર ગૌતમ સવાણી સહિત 2ની ધરપકડ:બીજાના નામે બેંક ખાતું ખોલાવી કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યા, સાયબર ક્રાઈમનું નેટવર્ક ઊભું કર્યું
સુરત સાયબર ક્રાઇમ સેલે 5.29 લાખની ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપી ગૌતમ હેમરાજભાઇ સવાણી (ઉં.વ. 36, રહે. મોટા વરાછા) અને જયદીપ વશરામભાઇ સવાણી (ઉં.વ. 34, રહે. માનસરોવર સોસાયટી, સરથાણા)ની ધરપકડ કરી છે. આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ગૌતમ સવાણી સામે વર્ષ 2015માં કતારગામ પોલીસ મથકે હત્યા તથા 2023માં ઉત્રાણ પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. બંને આરોપીઓ અગાઉ ગાંધીનગર સીઆઇડી સાયબર ક્રાઇમના ગુનામાં અટકાયતમાં હોવાથી સુરત પોલીસે ટ્રાન્સફર વૉરંટના આધારે કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે. વોટ્સએપ ગ્રૂપ અને નકલી વેબસાઇટ બનાવી રોકાણકારોને ફસાવ્યા સાયબર ગઠિયાઓએ ફરિયાદીને "W1- 1 The wealth Code" નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. ત્યારબાદ સ્ટોક માર્કેટમાં 30%થી 150% સુધીના ઊંચા નફાની લાલચ આપી બોગસ નફાના સ્ક્રીનશોટ્સ દર્શાવ્યા હતા. ઠગ ટોળકીએ "privilegedfyer.com" નામની બનાવટી વેબસાઇટની લિંક મોકલી પ્રી-વિલેજ્ડ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ શેર અને આઈપીઓ ખરીદવાના બહાને ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 5,29,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદી જ્યારે નફો ઉપાડવા ગયા ત્યારે પૈસા વિથડ્રો ન થતાં સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. કમિશન આધારિત 'મની મ્યુલ' એકાઉન્ટ મોડસ ઓપરેન્ડી આરોપીઓ સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરવા માટે ‘મની મ્યુલ’ મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. આરોપી ગૌતમ સવાણી અને જયદીપ સવાણીએ અગાઉ ઝડપાયેલા યશ કોટેચા નામના યુવકને પૈસાની લાલચ આપી સરથાણા એક્સિસ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. ખાતા સાથે લિંક મોબાઇલ નંબર, સિમકાર્ડ અને સહી કરેલા કોરા ચેકો બંને આરોપીઓએ પોતાના કબજામાં રાખી લીધા હતા. આ ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના કાળા નાણાં જમા કરાવવા અને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવા માટે રોકડ કમિશનના આધારે કરવામાં આવતો હતો. માત્ર અઢી મહિનામાં જ એક ખાતામાં 2.09 કરોડના વ્યવહારો યશ કોટેચાના નામે ખોલાવાયેલા એક્સિસ બેંકના સિંગલ ખાતામાં 20 જૂન 2024થી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન માત્ર અઢી મહિનામાં જ 2,09,17,352 (રૂ. 2.09 કરોડ)નું તોતિંગ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, આ મની મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર કુલ 20 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ ટ્રેસ થયું છે. કમિશનના 1 લાખ બાબતે સાગરીતો વચ્ચે તકરાર થઈ હતી પોલીસ પૂછપરછમાં વધુ એક વિગત સામે આવી છે કે ગૌતમ સવાણીએ બેંક ખાતાના ઉપયોગ બદલ યશ કોટેચાને એડવાન્સ પેટે 1.50 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં યશે 50,000 પરત કર્યા હતા પરંતુ બાકીના 1 લાખ પરત ન આપતા ગૌતમ અને જયદીપ સવાણીની યશ સાથે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. હાલ સુરત સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ પર મેળવી આ આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar