top
ભાસ્કર એક્સક્લુઝિવ:વડતાલ મંદિર દિવાળી બોનસમાં સોલાર પેનલ આપશે, 200 કર્મચારીના ઘરે વીજબિલ ઘટશે
પર્યાવરણની સુરક્ષા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ ક્ષેત્રમાં વડતાલ સંસ્થાએ પ્રેરણારૂપ પહેલ કરી છે. આ વર્ષે સંસ્થામાં કાર્યરત કર્મયોગી અર્થાત્ કર્મચારીઓને દિવાળી બોનસમાં સોલાર પેનલ આપવાનો નિર્ણય કર્યો છે. વડતાલ મંદિરના ચૅરમેન ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષમાં બોનસ અંગે ચર્ચા-વિચારણા કરતાં ટ્રસ્ટીબોર્ડમાં એવી વિચારણા કરાઈ છે કે પર્યાવરણની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે વડાપ્રધાન સતત પ્રયત્નશીલ છે અને ગુજરાત મુખ્યમંત્રી પણ કાર્યરત છે. બંને સરકાર સબસીડી પણ આપે છે છતાં દરેક વ્યક્તિ તેનો લાભ નથી લેતી. આથી સામૂહિક જાગૃતિને રાષ્ટ્રીય કર્તવ્ય સમજીને સંસ્થાના કર્મયોગી કર્મચારીઓને દિવાળી બોનસ નિમિત્તે સોલાર પેનલમાં ભરવાની થતી રકમ અને તમામ કામગીરી કરીને સોલાર સુવિધા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. સંસ્થાના ટ્રસ્ટી તેજસ બિપિનભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને દરેકના ઘરને સૌર ઊર્જાથી પ્રકાશિત કરાશે. આથી દરેક પરિવારને કાયમી ધોરણે વીજબિલ ભરવાનું આર્થિક ભારણ ઘટશે અને સૌર ઊર્જાના વપરાશથી પર્યાવરણ સંરક્ષણમાં એટલી મદદ મળશે. વડતાલ સંસ્થાના આ નિર્ણયથી વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, મુખ્ય કોઠારીશ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar