top
2022માં અપહરણ થયેલું બાળક 2026માં મળ્યું:બાળકનું અપહરણ કરી ગોધરા લઈ જઈ ખેતીકામ અને ઘરકામ કરાવવામાં આવતું, બાળકે ભગવાની કોશિશ કરતા માર માર્યો
અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2022માં રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલા 13 વર્ષના એક માસૂમ બાળકનો ચાર વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુખદ અંજામ લાવવામાં આવ્યો છે. અપહરણકારોએ ઇકો કારમાં બાળકનું અપહરણ કરી તેને ગોધરા નજીકના એક ગામમાં માત્ર ₹10,000માં વેચી દીધો હોવાનો ખુલાસો થયો છે. ચાર વર્ષ સુધી બંધક બનાવી રખાયેલા આ બાળકને ક્રાઇમ બ્રાન્ચે રેસ્ક્યૂ કરી તેના પરિવારને હેમખેમ સોંપ્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે બાળકને ખરીદ-વેચાણ કરનાર બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે જ અન્ય બે ગુમ બાળકોને પણ બાળમજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં મોટી સફળતા મેળવી છે. 2022માં હેબતપુર પાસેથી થયું હતું અપહરણ ઘટનાની વિગતો અનુસાર, જુલાઈ 2022 માં સોલા પોલીસ સ્ટેશન હદમાં આવતા હેબતપુર વિસ્તારમાંથી 13 વર્ષીય બાળક અચાનક લાપતા થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે શોધખોળ બાદ સોલા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા લાંબા સમય સુધી શોધખોળ ચલાવવામાં આવી છતાં બાળકનો કોઈ પતો લાગ્યો નહોતો, જેના પગલે પોલીસ કમિશનર દ્વારા બાળકની ભાળ આપનાર માટે ₹10,000 નું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, તેમ છતાં ચાર વર્ષ સુધી બાળક વિશે કોઈ સુરાગ મળ્યો નહોતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગુમ બાળકો શોધવાની ડ્રાઇવમાં મોટી સફળતા તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચાર વર્ષ અગાઉ સોલામાંથી ગુમ થયેલું બાળક દિનેશ ડામોર અને ભરત ભરવાડ નામના વ્યક્તિઓ પાસે છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના એક ગામમાં ઓચિંતો દરોડો પાડીને બાળકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો અને બંને આરોપીઓને દબોચી લીધા હતા. માત્ર 10 હજારમાં બાળકનો સોદો, ભાગવાનો પ્રયાસ કરતાં માર મારતા પોલીસ કસ્ટડીમાં લેવાયેલા આરોપીઓ દિનેશ ડામોર અને ભરત ભરવાડની આકરી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી દિનેશ ડામોરે પોતાની મારુતિ ઇકો કારમાં આ 13 વર્ષીય બાળકનું અપહરણ કર્યું હતું અને ગોધરા લઈ જઈને ભરત ભરવાડ નામના શખ્સને માત્ર ₹10,000 માં વેચી દીધો હતો. ભરત આ માસૂમ બાળકને બંધક બનાવી તેની પાસે બળજબરીપૂર્વક ખેતીકામ, પશુપાલન અને ઘરકામની વૈતરું કરાવતો હતો. પૂછપરછમાં બાળકે જણાવ્યું હતું કે તેણે એકવાર ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ ભરતે તેને પકડી પાડી ક્રૂરતાપૂર્વક ઢોરમાર માર્યો હતો. ડરના માર્યા બાળક પછી ત્યાં જ રહેવા મજબૂર બન્યો હતો. અન્ય બે ગુમ બાળકો પણ મુક્ત કરાવાયા ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે ગોધરાના આ ગામમાં દરોડો પાડ્યો ત્યારે પોલીસને ત્યાં બંધક બનાવી રખાયેલા અન્ય બે બાળકો પણ મળી આવ્યા હતા. પોલીસે આ બંને બાળકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપીઓ દ્વારા એક આખી સિન્ડિકેટ ચલાવવામાં આવી રહી હતી, જે ગુમ અથવા અપહરણ કરાયેલા બાળકોને લાવીને તેમની પાસે બળજબરીપૂર્વક શારીરિક શ્રમ, ખેતીકામ અને પશુપાલન કરાવતી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar