crime
પાટણમાં બગવાડા દરવાજે પડેલા ભુવા અંગે નગરપાલિકાની સ્પષ્ટતા:22 ફૂટ ઊંડે ખોદકામ કરી ખામી શોધી સમારકામ શરૂ કરાયું, નાગરિકોને ધીરજ અને સહયોગની અપીલ
પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક પડેલા ભુવા અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સત્તાવાર વિગતો જાહેર કરી છે. નગરપાલિકાએ ભુવો માત્ર પૂરી દેવાને બદલે તેના મૂળ સુધી પહોંચવા માટે 22 ફૂટ ઊંડે સુધી ખોદકામ કરી તપાસ હાથ ધરી હતી. પાલિકા દ્વારા સમસ્યાનું કારણ શોધી કાઢીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે પ્રજાને ગેરમાર્ગે દોરતા અને આંદોલન કરતા તત્વોથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ભુવો પૂરી દેવાને બદલે ઊંડે સુધી ખોદકામ કરાયું ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ બગવાડા દરવાજા નજીક પડેલો ભુવો સામાન્ય રીતે માત્ર પૂરી દેવાનો હોય તો નગરપાલિકા માટે આશરે બે કલાકનું કામ હતું. જોકે, ભુવો પડવાનું મૂળ કારણ જાણવા માટે ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જમીનની નીચેથી પાણી ફૂટતું હોવાનું જણાયું હતું. શરૂઆતમાં ઓવરફ્લો લાઈન નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણીનું પ્રમાણ વધતાં આ પ્રયાસ સફળ રહ્યો ન હતો. 22 ફૂટ નીચે તપાસ કરતા લાઈન ગાયબ હોવાનું સામે આવ્યું સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકાની ટીમે 22 ફૂટ સુધી ખોદકામ કરીને તપાસ હાથ ધરી હતી. કામગીરી દરમિયાન વરસાદ, સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાની સ્થિતિ તેમજ હિટાચી મશીન બગડી જવા જેવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ટીમ દ્વારા રાત-દિવસ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન બે હોલ વચ્ચે 15 ફૂટથી વધુ લાંબી લાઈન ગાયબ હોવાનું સામે આવ્યું હતું, જેના સ્થાને નવી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે. આગળના ભાગમાં પણ તપાસ હાથ ધરાશે નગરપાલિકાની તપાસમાં આગળના ભાગે પણ ભુવો હોવાની શક્યતા જણાઈ છે. જેથી આ વિસ્તારમાં પણ ખોદકામ કરીને સમગ્ર લાઈન અને જમીનની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ભુવાની સમસ્યા ફરીથી સર્જાય નહીં અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પાલિકા કાયમી ઉકેલ તરફ કામગીરી કરી રહી છે. નાગરિકોને ધીરજ અને સહયોગની અપીલ નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે ભુવાની પરંપરા કાયમી ધોરણે બંધ થાય તે હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ ભુવાના મુદ્દે પ્રજાને ગેરમાર્ગે દોરતા તત્વોથી સાવધ રહેવા અને કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. નગરપાલિકાએ સમગ્ર કામગીરી દરમિયાન નાગરિકોને ધીરજ રાખવા અને તંત્રને સહયોગ આપવા વિનંતી કરી છે.
Read full article on Divya Bhaskar