environment
ડાંગના પિંપરીમાં રૂ.2.43 કરોડના ખર્ચે બે નવા છાત્રાલયનું ખાતમુહૂર્ત:DGVCLના CSR ફંડમાંથી થશે નિર્માણ, કલેક્ટર ઝાડું પકડી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે “સેવા સમર્પણના 25 વર્ષ”ની ઉજવણી અંતર્ગત ડાંગના પિંપરી ગામે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ તથા જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારની અધ્યક્ષતામાં સરકારી આશ્રમ શાળા, પિંપરીના કુમાર અને કન્યા છાત્રાલયના નવા બિલ્ડીંગના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. CSR ફંડમાંથી રૂ.2.43 કરોડના ખર્ચે નિર્માણ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ-DGVCLના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી-CSR ફંડમાંથી અંદાજે રૂ.2 કરોડ 43 લાખના ખર્ચે બંને નવા છાત્રાલય બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. નવા છાત્રાલયોથી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સારી અને સુવિધાયુક્ત રહેણાંક વ્યવસ્થા મળી રહેશે. જ્યોતિગ્રામ યોજનાથી ડાંગમાં વીજળી ક્ષેત્રે વિકાસ ધારાસભ્ય વિજય પટેલે DGVCL અને JETCOનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં વીજળી ક્ષેત્રે થયેલા વિકાસમાં જ્યોતિગ્રામ યોજનાનું મહત્વપૂર્ણ યોગદાન છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ડાંગ જિલ્લામાંથી કરી હતી, જેના પરિણામે જિલ્લામાં 24 કલાક વીજળી ઉપલબ્ધ બની છે. તેમણે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમમાં સૌને સહભાગી બની દીવા પ્રજ્વલિત કરવા અપીલ કરી હતી. ગુણવત્તાયુક્ત શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્ય જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિતે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તો વ્યક્તિ પોતાનું જીવન તેમજ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. આદિવાસી વિસ્તારોની વિવિધ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. કલેક્ટરે ઝાડું પકડી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા કાર્યક્રમ બાદ મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ પિંપરી પ્રાથમિક શાળા અને મુખ્ય બજાર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે પોતે ઝાડું પકડી સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો અને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી, DGVCLના અધિકારીઓ, ભાજપ સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ, પ્રમુખ કિશોર ગાવિત સહિત તાલુકા સદસ્યો, સરપંચો, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar