crime
25 તપેલાં સહિતનો સામાનની શોધખોળ છતાં પત્તો નહીં:સંડેર રોડ પરના ભવાનીધામના પ્લોટમાં મૂકેલા રૂ.1.96 લાખનાં વાસણો ચોરાયાં
બાલીસણામાં સંડેર રોડ પર આવેલા ભવાનીધામના ખુલ્લા પ્લોટમાંથી રસોડાનાં રૂ.1.96 લાખનાં વાસણોની ચોરી થઈ હતી. 25 તપેલાં સહિતનાં વાસણો ગરબાના કાર્યક્રમમાં નાસ્તો બનાવવા માટે લાવવામાં આવ્યાં હતાં. ગરબા પૂર્ણ થયા બાદ તમામ વાસણો પ્લોટમાં એક તરફ ભેગાં કરીને મૂક્યાં હતાં, પરંતુ પાંચ દિવસ બાદ સામાન લેવા જતાં વાસણો ગાયબ હોવાનું સામે આવ્યું હતું. બાલીસણા માં રહેતા સુધીરભાઈ ઇશ્વરભાઇ પટેલ રસોઈ નો વ્યવસાય કરે છે. તેમને 25 ઓક્ટોબરે નાથાણી પાટી દ્વારા ભવાનીધામ ખાતે યોજાયેલા ચૌદશના ગરબામાં નાસ્તો બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આથી તેમણે પોતાના માણસો મારફતે રસોડાનો સામાન પ્લોટમાં ઉતરાવ્યો હતો. ગરબા પૂર્ણ થયા બાદ વાસણો પ્લોટની જમણી બાજુ એક જગ્યાએ ભેગાં કરીને રાખ્યાં હતાં.દરમિયાન 30 ઓક્ટોબરે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ આ વાસણો ચોરી ગયો હતો. ચોરીમાં 25 મોટાં એલ્યુમિનિયમનાં તપેલાં રૂ.1.50 લાખ, મીઠાઈનાં 40 લોખંડનાં પતરાં રૂ.16 હજાર, બે છગડા જોડ રૂ.8 હજાર, બે મોટાં એલ્યુમિનિયમનાં તાસ રૂ.9 હજાર , 15 સ્ટીલની ડોલ રૂ.3 હજાર, 30 સ્ટીલનાં બાઉલ રૂ.4,500 અને બે લોખંડની કઢાઈ રૂ.6 હજાર નો સમાવેશ થાય છે. વાસણો ગાયબ થતાં રસોઇયા અને તેમના મજૂરોએ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે સુધીરભાઈએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Read full article on Divya Bhaskar