lifestyle
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા 25 વર્ષની સેવા-સુશાસનની ઉજવણી:જિલ્લામાં વિવિધ સેવાકીય અને જનભાગીદારીના કાર્યક્રમોનું આયોજન
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવા અને સુશાસનના કાર્યકાળની ઉજવણી કરવામાં આવી રહી છે. 7 ઓક્ટોબરના રોજ આ કાર્યકાળ પૂર્ણ થવા પર દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' યોજાશે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ સેવાકીય અને જનભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વડાપ્રધાનના જન્મદિવસથી દરરોજ સાંજે સાત વાગ્યે 'આશીર્વાદનો દીવડો' પ્રગટાવી 25 વર્ષની અવિરત સેવાને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે. આ દીવડા લાભાર્થીઓના ઘર, સાધુ-સંતો અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રગટાવવામાં આવશે. 'વિકસિત ભારત 2027'ના સંકલ્પ સાથે શાળા-કોલેજોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં બાળકોના સપના અને વિકસિત ભારતના વિચારોને ચિત્રો, નિબંધો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરાશે. યુવા પેઢીના વિચારો અને સંકલ્પને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરાશે. 'નમો સેવા ગાથા' અંતર્ગત છેલ્લા 25 વર્ષમાં જનકલ્યાણકારી યોજનાઓના કારણે આવેલા પરિવર્તનની ગાથા પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. શૌચાલય નિર્માણથી મહિલાઓના આત્મસન્માનમાં આવેલા પરિવર્તનથી લઈને નર્મદાના પાણીથી ખેડૂતોના જીવનમાં આવેલા બદલાવ સુધીની સફળતાની વાર્તાઓ રજૂ કરાશે. આ સાથે યોજનાઓના લાભાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવશે. 'આંગણવાડી ઉત્સવ' અંતર્ગત કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર અને જરૂરી સંભાળ મળે તે માટેના કાર્યક્રમો યોજાશે. આંગણવાડી બહેનોના યોગદાનને બિરદાવવા તેમનું સન્માન પણ કરાશે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'સેવા જ્યોત યાત્રા' પણ યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મંડળોમાંથી સેવા જ્યોત સાથે યાત્રા નીકળશે અને રતનપુર અથવા કાંબેશ્વર મંદિર જેવા ધાર્મિક સ્થળે સૌ એકત્રિત થશે. એકતા અને જનસેવાના સંકલ્પ સાથે યોજાનારી આ યાત્રા દ્વારા 2027ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો સંદેશ આપવામાં આવશે. આ અભિયાન દ્વારા 25 વર્ષની અવિરત સેવા, સેવા સાથે સંકલ્પ અને સંકલ્પ સાથે વિકસિત ભારત તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવશે. સુરેન્દ્રનગરમાં પણ જનભાગીદારી સાથે 25 વર્ષની સેવા-સુશાસનની ઉજવણી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar