top
આપઘાત કરવા નીકળેલ યુવક માટે પોલીસ દેવદૂત બની:શેરબજારમાં 2.50 કરોડનું દેવું થતા વ્યાજખોરોના ત્રાસથી જીવ ટૂંકાવવા નીકળેલ યુવકને પોલીસે બચાવી લીધો
શેરબજારમાં વધુ પડતો નફો કમાઈ લેવાની લાલચમાં ₹2.50 કરોડના જંગી દેવાના બોજ તળે દબાઈ ગયેલા અને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવા નીકળેલા એક યુવક માટે અમદાવાદ શહેર પોલીસ તંત્ર સાક્ષાત જીવનદાતા સાબિત થયું છે. મહેસાણાથી અમદાવાદ આપઘાત કરવા પહોંચેલા યુવકે પરિવારજનોને વિદાય સંદેશો મોકલી ફોન બંધ કરી દેતાં સગાં-સંબંધીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, સંબંધીઓની સમયસૂચકતા અને પોલીસ કંટ્રોલ રૂમની ત્વરિત કાર્યવાહીના પગલે કાગડાપીઠ પોલીસ મથકના 25થી વધુ જવાનોએ વહેલી સવારે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં યુવકને હેમખેમ શોધી કાઢી નવજીવન બક્ષ્યું છે. વધુ વળતરની લાલચમાં મોટો આર્થિક ખાડો પડ્યો અને વ્યાજખોરો પાછળ પડ્યા ઘટનાની વિગતો અનુસાર, મૂળ બનાસકાંઠાનો વતની અને હાલ પરિવાર સાથે મહેસાણા ખાતે સ્થાયી થયેલો યુવક શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરતો હતો. ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચમાં તેણે શેરબજારમાં ઊંધા સોદા કર્યા હતા, જેના કારણે તેના માથે જોતજોતામાં ₹2.50 કરોડ જેટલું તોતિંગ દેવું થઈ ગયું હતું. આ ખોટ સરભર કરવા લીધેલા નાણાં પર વ્યાજખોરો દ્વારા ઉઘરાણી માટે દબાણ અને અસહ્ય માનસિક ત્રાસ શરૂ કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોના આતંકથી ગભરાઈને યુવાન છેલ્લા છ મહિનાથી પોતાનું ઘર છોડીને આમતેમ ભટકવા મજબૂર બન્યો હતો. વોટ્સએપ પર વિદાય સંદેશો મોકલીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો લાંબા સમય સુધી કોઈ ઉકેલ ન દેખાતાં હતાશ થઈ ગયેલા દેવાદાર યુવકે આખરે મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો. તે મહેસાણાથી અમદાવાદ પહોંચ્યો હતો અને પોતાના પિતા તેમજ નજીકના સંબંધીઓને વોટ્સએપ પર એક મેસેજ કર્યો હતો કે તે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જઈ રહ્યો છે. આ મેસેજ મોકલ્યા બાદ તેણે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. યુવકનો આ મેસેજ વાંચતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘરમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. પરિવારે ટેકનિકલ રીતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવક અમદાવાદ તરફ ગયો છે, જેથી તેમણે તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી મદદની ગુહાર લગાવી હતી. કાગડાપીઠ પોલીસના 25 જવાનોનું વહેલી સવારે 3 કલાક સર્ચ ઓપરેશન કંટ્રોલ રૂમ દ્વારા યુવકના મોબાઈલ નંબરનું છેલ્લું ટાવર લોકેશન ટ્રેસ કરવામાં આવતાં તે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું. કંટ્રોલ રૂમ તરફથી વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ કાગડાપીઠ પોલીસને આ મેસેજ મળતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા હતા. કાગડાપીઠ પોલીસ મથકની ત્રણ અલગ-અલગ વિશેષ ટીમો બનાવી 25 થી વધુ પોલીસકર્મીઓને સમગ્ર વિસ્તારમાં યુવકની શોધખોળ માટે દોડાવવામાં આવ્યા હતા. પોલીસે નિર્જન સ્થળો, રેલવે ટ્રેક અને ખુલ્લી જગ્યાઓ પર સતત ત્રણ કલાક સુધી અથાક શોધખોળ ચલાવીને અંતે યુવકને સહીસલામત શોધી કાઢ્યો હતો. યુવકનું કાઉન્સિલિંગ કરી સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યો પોલીસે સમયસર પહોંચીને યુવકને મોતનું પગલું ભરતાં અટકાવી લીધો હતો અને તેને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ મથકે લઈ આવ્યા હતા. ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ માનવીય અભિગમ દાખવી યુવકનું સઘન કાઉન્સિલિંગ કર્યું હતું અને જીવનમાં કોઈપણ મુશ્કેલી અંતિમ નથી હોતી તે સમજાવી તેનું મનોબળ વધાર્યું હતું. આ સાથે જ મહેસાણા સ્થિત તેના પરિવારજનોને બનાવની જાણ કરી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. પુત્રને સહીસલામત જીવતો જોઈને પરિવારજનોની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા અને તેમણે અમદાવાદ પોલીસની આ ત્વરિત કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Read full article on Divya Bhaskar