top
ગાંધીનગર મનપા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:આખરી મતદારયાદી જાહેર થતાં જ રાજકીય ગરમાવો, કુલ મતદારોની સંખ્યા 2,56,443 ફિક્સ
આગામી મહિનામાં યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી સંદર્ભમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. અગાઉ ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી પ્રાથમિક મતદારયાદીમાં કુલ મતદારોની સંખ્યા 2,58,818 તેમજ મતદાન માટે 264 બૂથ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે આખરી પ્રકાશન બાદ નામ કમી કરવાની અને સુધારણાની પ્રક્રિયા અંતે હવે શહેરમાં કુલ મતદારોની સંખ્યા ઘટીને 2,56,443 પર પહોંચી છે. જ્યારે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યા વધારીને 265 કરવામાં આવી છે. 1.32 લાખ પુરૂષ અને 1.27 લાખ મહિલા મતદાર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા વોર્ડવાઈઝ અને વિસ્તારવાર વિગતવાર આંકડાઓ ઉપર નજર કરીએ તો, પાટનગરની આ ચૂંટણીમાં કુલ મતદારો પૈકી પુરુષ મતદારોની સંખ્યા 1,32,285 છે, જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 1,27,146 નોંધાઈ છે. આ ઉપરાંત અન્ય શ્રેણીમાં 6 મતદારો પણ નોંધાયેલા છે. ગાંધીનગરના જુદા જુદા 11 વોર્ડમાં મતદારોનું વિતરણ અલગ-અલગ રહ્યું છે. વોર્ડ નં.11 માં સૌથી વધુ 35,051 મતદારો વોર્ડ નં. 1 માં 17,333, વોર્ડ નં. 2 માં 16,463, વોર્ડ નં. 3 માં 15,583, વોર્ડ નં. 4 માં 21,148, વોર્ડ નં. 5 માં 13,034 અને વોર્ડ નં. 6 માં 17,311 મતદારો નોંધાયા છે. આ ઉપરાંત વોર્ડ નં. 7 માં 23,462, વોર્ડ નં. 8 માં 33,863, વોર્ડ નં. 9 માં 30,634, વોર્ડ નં. 10 માં 32,166 જ્યારે વોર્ડ નં. 11 માં સૌથી વધુ 35,051 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ બન્યા છે. આખરી યાદી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો મતદારયાદી જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારોમાં પણ દોડધામ વધી ગઈ છે. નાગરિકો કોઈપણ પ્રકારની મૂંઝવણ વગર પોતાની વિગતો ચકાસી શકે અને યાદીમાં નામ છે કે નહીં તેની ખાતરી કરી શકે તે માટે મનપા દ્વારા પાટનગરમાં ખાસ પાંચ સ્થળોએ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. નાગરિકો સેક્ટર-17 સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, સેક્ટર-11 કોર્ટની બાજુમાં આવેલ એમ.એસ. બિલ્ડીંગ, પેથાપુર બસ સ્ટેશન સામે આવેલી કચેરી તેમજ ભાટ અને કોબાના જનસેવા કેન્દ્રો પરથી કચેરીના નિર્ધારિત સમય દરમિયાન આ આખરી મતદારયાદીનો લાભ મેળવી શકશે. ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની શક્યતા વચ્ચે આખરી યાદી જાહેર થવાથી રાજકીય માહોલ એકદમ ગરમાયો છે.
Read full article on Divya Bhaskar