politics
27માંથી 26 મિસાઈલ યુક્રેન પર ખાબકી અને...:પુતિનના ઘરમાં અંગ્રેજોના ડ્રોનથી હુમલો, દોસ્તીમાં ટ્રમ્પની સિક્રેટ સોદાબાજીથી ચીનને મોકળું મેદાન, જાણો ડર્ટી ગેમ
દુનિયામાં બે અલગ અલગ જગ્યાઓ પર હાલ યુદ્ધ ચાલી રહ્યા છે. એક છેડે યુક્રેને રશિયાની જમીન પર બ્રિટીશ ડ્રોન ઘૂસાડીને પુતીનને લાલઘૂમ કર્યા છે તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાના દેશ દક્ષિણ કોરિયાને ઈરાન સામે યુદ્ધ લડવા માટે મદદની જીદ પકડી છે. જો દક્ષિણ કોરિયા આવું ન કરે તો પોતાના જ દોસ્તને એકલું-અટુલું ને રામભરોસે છોડી દેવાથી પણ ટ્રમ્પ જરાય અચકાય એવું લાગતું નથી. દેખીતી રીતે આ બંને ઘટનાઓ દુનિયાના અલગ અલગ છેડાઓ પર અથવા તો જગ્યાઓ પર ચાલી રહી છે પણ આ ભયાનક ગેમ જેટલી દેખાય તેનાથી ક્યાંક ગણી મોટી હોય શકે છે. પડદા પાછળ શું ચાલી રહ્યું છે અને કેવી રીતે આનાથી આપણને અસર થઈ શકે? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર... સૌથી પહેલા આપણે યુરોપથી શ્રીગણેશ કરીએ... કારણ કે ત્યાં અત્યારે જે કાંઈ પણ ખીચડી રંધાઈ રહી છે તેણે આખી દુનિયાનું બીપી વધારી દીધું છે. વાત આખી કંઈક એમ છે કે ચાર વર્ષથી યુદ્ધ ખાલી બે દેશો વચ્ચે ચાલી રહ્યું હતું જે છે રશિયા અને યુક્રેન. પણ હવે એમાં ખતરનાક વળાંક આવ્યો છે. લંડનના સૌથી ફેમસ સમાચાર પત્ર ધ ટાઈમ્સમાં એક સમાચાર છપાયા છે જે આખા ડખાનું જડ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "યુક્રેને રશિયાના વાલ્ગોગ્રાદ અને યારોસ્લાવમાં ઓઈલ રિફાઈનરી પર હુમલા કર્યા તેમાં બ્રિટિશ ડ્રોનનો ઉપયોગ થયો હતો." આમાં પુતિન પણ લાલચોળ થયા. યુકેની રશિયન એમ્બસીથી બ્રિટનને ખુલ્લી ધમકી મળી કે, "યુકેએ જવાબ આપવો પડશે. યુક્રેનને મદદ કરવામાં યુકેની જેટલી સંડોવણી હશે એટલી જ મોટી કિંમત ચૂકવવી પડશે. " પોતાના પર વાત આવે એટલે બ્રિટન પણ થોડું કંઈ શાંત બેસે? તેણે પણ વળતો જવાબ આપીને રોકડું પરખાવી દીધું કે, “અમેં તો યુક્રેન સાથે ખભેખભો મિલાવીને જ ઉભા રહીશું.” પણ આ ઈગોની લડાઈ મોટા જીઓપોલિટિકલ ખતરા લાવી શકે છે. ડિફેન્સ એક્સપર્ટ ગ્લેન ડિસેન આ મામલે સીધી વોર્નિંગ આપી રહ્યા છે કે, ટૂંકમાં અત્યાર સુધી જે યુદ્ધ યુક્રેનની અને રશિયાની સરહદ પર લડાતું હતું એ આગળ વધીને યુરોપના આંગણે પહોંચી ગયું છે. પણ એ પહેલા બ્રિટનના જે ડ્રોને યુરોપ ધણધણાવ્યું તેના વિશે ફટાફટ જાણી લો... બ્રિટિશ ડ્રોને યુરોપ સળગાવ્યું પણ આ તો થઈ ખાલી યુરોપ પૂરતી વાત... જ્યાં એક બ્રિટિશ ડ્રોનથી આખું યુરોપ સળગવાની અણી પર આવીને ઉભું રહી ગયું છે. પણ જ્યારે યુરોપમાં બોમ્બ ધડાકાના અવાજો સંભળાવવાની પરિસ્થિતિઓ બની જ ગઈ છે ત્યારે ગામનો ચૌધરી એટલે કે અમેરિકા શું કરી રહ્યું છે? તો આ સવાલના જવાબમાં એક આવો જ મોટો વળાંક આવે છે. ટ્રમ્પના લેન્સનું ફોકસ અત્યારે યુરોપથી ખસીને એશિયા પર શિફ્ટ થઈ ગયું છે. આપણને થાય આવું કેમ? તો જવાબ છે તંરંગી મિજાજના જગત જમાદારે એક એવો ઓર્ડર આપી દીધો છે જેણે એશિયાના દેશોની ઉંઘ હરામ કરી દીધી છે. બૂમ પાડીને ટ્રમ્પે ભાઈબંધી પર પાણી ફેરવ્યું મુદ્દો કંઈક એવો છે કે દર વર્ષે અમેરિકા અને દક્ષિણ કોરિયા ઉલચી ફ્રીડમ શિલ્ડ કરીને એક મોટો લશ્કરી યુદ્ધાભ્યાસ કરે છે. પણ ટ્રમ્પે પોતાના લશ્કરી હેડક્વાર્ટર પેન્ટાગોનને ઓર્ડર આપી દીધો છે કે આ યુદ્ધાભ્યાસને મોટેપાયે ઘટાડી દો. કોઈ પણ દેશ પોતાના મિત્ર દેશ સાથેની ભાઈબંધી ઓછી કેમ કરે? તો ટ્રમ્પે કંઈક એવો તોડ આપ્યો છે કે નોર્થ કોરિયાના તાનાશાહ માર્શલ કિમ જોંગ ઉન મારા બહુ જ સારા દોસ્ત છે. એટલે એમને ખરાબ લાગે એવું કોઈ કામ અમેરિકા નહીં કરે. અમેરિકાનું જહાજ ખસતાં ચીન મૂંછમાં મલકાયું પણ એક કહેવત છે ને કે જે હોય એ દેખાતું નથી અને જે દેખાતું હોય છે એ હોતું નથી. ઠીક એવી જ રીતે અહીં પણ એવા જ હાલ છે. વાત આખી એવી છે કે અત્યારે ઈસ્લામિક અને આરબ દેશોના વિસ્તારમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્રમ્પે દક્ષિણ કોરિયા પાસે ઈરાન સામે યુદ્ધ લડવા માટે મદદ માગી હતી. પણ દક્ષિણ કોરિયાએ ઘસીને ચોખ્ખી ના પાડી દીધી હતી કે આમાં અમારે કોઈ લેવાદેવા નથી. બસ આ વાત અને ટ્રમ્પનો ઈગો ઘવાણો. ટ્રમ્પે તરત જ એશિયામાંથી પોતાની સિક્યોરિટી ગેરંટી પાછી ખેંચવાની વાત કરી દીધી અને પોતાનું મહાકાય એરક્રાફ્ટ કેરિયર પણ એશિયામાંથી હટાવીને મિડલ ઈસ્ટ બાજુ વાળી દીધું. જાપાન અને તાઈવાન જેવા દેશો પણ હવે ડરી ગયા છે કે જો કાલે ઉઠીને ચીન કંઈક સળી કરશે તો શું અમેરિકા મદદ માટે આવશે ખરાં? ટ્રમ્પની સિક્યોરિટીના નામે સોદાબાજી સાવ સાદી રીતે સમજીએ તો અત્યારે દુનિયા એક એવા સમયથી પસાર થઈ રહી છે જ્યાં દાયકાઓ જૂની દોસ્તી કે વચનોની કોઈ વેલ્યૂ નથી રહી. શક્તિશાળી દેશો એટલે કે અહીં આપણે ટ્રમ્પની વાત કરી રહ્યા છીએ જે હવે સિક્યોરિટીના નામે સોદાબાજી કરી રહ્યા છે અને બીજી બાજુ પોતાના જ દોસ્તોને બ્લેકમેલ કરી રહ્યા છે. પણ તમને ખબર છે? આ આખા ડખામાં ભયાનક લશ્કરી તૈયારીઓ અને ટેક્નોલોજી છૂપાયેલી છે, શું અને કેવી રીતે? ચાલો હવે એને પણ બરોબર સમજી લઈએ... પુતિની આક્રામકતાનો ભયાનક અંદાજ સૌથી પહેલા આપણે રશિયાની વાત કરી લઈએ. પુતિન અત્યારે કેટલા આક્રામક છે એનો અંદાજ એક વાત પરથી આપણે લગાવી શકીશું. આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન પર 288 મિસાઈલ હુમલા કર્યા હતા. ત્યારે લોકોને લાગ્યું હતું કે આ તો લગભગ અત્યાર સુધીનો રશિયાનો યુક્રેન પરનો સૌથી મોટો હુમલો હશે. પણ જુલાઈ આવી અને પુતિને આ રેકોર્ડ પણ તોડી નાખ્યો. જુલાઈમાં રશિયાએ યુક્રેન પર એકસાથે 376 મિસાઈલ છોડી દીધી. આ જ વર્ષની વાત કરીએ તો રશિયાએ યુક્રેન પર 650થી વધુ બેલિસ્ટિક મિસાઈલ્સનો વરસાદ કરી દીધો છે. યુક્રેનનું આકાશ રશિયાની મિસાઈલથી ઢંકાયું જેમાં પણ થોડું ડીપ જઈએ તો ખબર પડે કે સૌથી ડરામણી તારીખ હતી 1 ઓગસ્ટની. આ દિવસે રશિયાએ 27 મિસાઈલ લીધી યુક્રેનની રાજધાની કિવ પર છોડી હતી. અને તમને જાણીને નવાઈ લાગશે કે યુક્રેનની સેના આમાંથી ખાલી 1 જ મિસાઈલ હવામાં તોડી પાડવામાં સક્સેસફુલ રહી હતી. બાકીની 26 મિસાઈલ સીધી જમીન પર ખાબકી. આનાથી કેટલી તબાહી મચી હશે તેનો અંદાજો લગાવી શકાય છે. યુક્રેન પાસે મિસાઈલ તોડવાની શક્તિ પૂરી? પણ આવું કેમ થયું? કારણ કે અમેરિકા અને યુરોપ અત્યારે મિડલ ઈસ્ટના યુદ્ધમાં બીઝી છે, યુક્રેનને જે હથિયારો મળતા હતા એમાં 3 ગણો ઘટાડો થયો છે. ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ આ વાત કહી હતી કે અમારી પાસે રશિયાની ઘાતક ઈસ્કાન્ડર-એમ કે ઉત્તર કોરિયા પાસેથી મળેલી કેએન-23 મિસાઈલોને તોડી પાડવાની હવે કોઈ તાકાત નથી બચી. રશિયાએ યુક્રેનની આ જ મજબૂરીનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ટ્રમ્પની માગ અને કોરિયાની ઘસીને 'ના' સામેની બાજુ અમેરિકા અને દક્ષિણ કોરિયાના બગડેલા સંબંધોના આંકડા તો આનાથી પણ વધુ ચોંકાવનારા છે. ટ્રમ્પે અચાનક પોતાના મિત્ર દેશ સાઉથ કોરિયા સાથે લશ્કરી અભ્યાસ છોડી દીધો. કારણ શું હતું ખબર છે? સોદાબાજી. ટ્રમપે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાસે ઈરાન સામે લડવા માટે મદદ માગી પણ દક્ષિણ કોરિયાએ ના પાડીને મોઢું ફેરવી લીધું. આ સિવાય દક્ષિણ કોરિયાએ અગાઉ અમેરિકામાં 350 બિલિયન ડોલરના મોટા રોકાણનો જે પ્રોમિસ કર્યો હતો એમાં પણ ઢીલ મૂકી દીધી. બસ આ જ વાત ટ્રમ્પને ના ગમી. અમેરિકાની ચાલથી એશિયા ધણધણ્યું આ ના પાડવી એ દક્ષિણ કોરિયાની સોવેર્નિટી છે પણ તેની કિંમત એશિયાના દેશોને ચૂકવવી પડી શકે છે. કારણ કે ટ્રમ્પે ગુસ્સામાં આવીને પેસિફિક મગાસાગરમાં ચીનની સામે તહેનાત કરેલું અમેરિકાનું સૌથી મહાકાય એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જ્યોર્જ વોશિંગ્ટનને ત્યાંથી હટાવી લીધું અને તેને મિડલ ઈસ્ટ માટે રવાના કરી દીધું. એટલે કે ચીન સામેનો આખો દરિયાઈ રસ્તો હવે અમેરિકન સુરક્ષા કવચ વગરનો થઈ ગયો છે. જાપાનને પણ સીધું કહી દેવાયું કે તમને જે ટોમાહોક મિસાઈલ મળવાની હતી એ હવે મોડી મળશે કારણ કે અમારા પોતાના હથિયાર ભંડારો ખાલી થવાની શક્યતાઓ વધી ગઈ છે. યુદ્ધ એટલે બંદૂકો, વિમાનો અને સૈનિકો જ નહીં! આ આંકડાઓ અને હિલચાલ ચીસો પાડીને શું કહી રહ્યા છે ખબર છે? દુનિયાના સમિકરણો હવે બદલાઈ રહ્યાં છે. પણ અહિંયા એક સવાલ થાય કે આ બધી મહાસત્તાઓની માથાકૂટથી આપણે શું લેવાદેવા ભાઈ? તો એનો જવાબ એટલો ભયાનક છે કે તમને થઈ જશે કે આ તો મેં પણ વિચાર્યું નહોતું. ચાલો હવે પડદા પાછળની એ ગેમને પણ ડિકોડ કરીએ. સૌથી પહેલા વાત કરીએ બદલાતા હાઈટેક એડવાન્સ યુદ્ધની. આપણને હજુ પણ એવું જ લાગે છે કે યુદ્ધ એટલે સૈનિકો., બંદૂકો અને વિમાનો... પણ ભાઈ હવે જમાનો બદલાઈ ગયો છે.. હવે યુદ્ધ જમીન કે આકાશમાં નહીં પણ એલ્ગોરિધમ અને સેન્સર્સમાં લડાય છે. AI બંદૂકથી પણ કેમ ખતરનાક? આજના સમયમાં કોઈ હથિયાર એટલું ખતરનાક નથી જેટલું ખતરનાક એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. એઆઈ પોતે કોઈ બંદૂક નથી પણ તે બંદૂકને સો ગણી ઝડપથી બનાવી દે છે. દાખલા તરીકે સમજી લો કે અમેરિકાની અમેરિકાની પ્રોજેક્ટ મેવેન સિસ્ટમ ગણતરીની સેકન્ડોમાં સેટેલાઈટ અને રડારનો ડેટા એનાલિસિસ કરીને કમાન્ડરને કહી દે છે કે દુશ્મન ક્યાં છૂપાયો છે. ભારત પણ આમાં પાછળ નથી હોં! આપણી સેનાએ આકાશતીર અને મિશન સુદર્શન ચક્ર જેવા પ્રોજેક્ટ શરૂ કરી દીધા છે. આ પ્રોજેક્ટ ભારતભરના રડાર અને મિસાઈલોને એઆઈ સાથે જોડી દેશે. કોઈ દેશો યુદ્ધાભ્યાસ શા માટે કરે છે? જ્યાર યુદ્ધ આટલું ખતરનાક અને હાઈટેક થઈ ગયું હોય ત્યારે દેશો વચ્ચે મિલિટરી ડ્રિલ બજુ જરૂરી બની જાય છે. કારણ કે બધા દેશોની ટેક્નોલોજી અને રીત અલગ-અલગ હોય છે. યુદ્ધાભ્યાસનો હેતુ ખાલી દુશ્મનના મનમાં સાયકોલોજીકલ ડર પેદા કરવાનો હોય છે. જ્યારે અમેરિકા અને ઉત્તર કોરિયા જેવા દેશો ભેગા મળીને એકસાથે મિલિટરી યુદ્ધાભ્યાસ કરે છે ત્યારે ચીન અને ઉત્તર કોરિયાને ઈન્ડાયરેક્ટ મેસેજ જાય છે કે, જો હુમલો કર્યો તો બેય ભેગા થઈને પાડી દઈશું. ટ્રમ્પે આ યુદ્ધાભ્યાસને ઘટાડીને એશિયામાંથી આ ડર જ ખતરમ કરી નાખ્યો છે, જે ભવિષ્યમાં એશિયાને બહુ ભારે પડી શકે એમ છે. હવે આપણે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર જે આપણને બધાને ડાયરેક્ટ કે ઈન્ડાયરેક્ટ રીતે અસર કરે છે. આનાથી ભારત પર શું અસર પડશે? આફતને અવસરમાં બદલતું ભારત આ સમયે ભારતને એક નવો જ ફાયદો થયો. બહારથી બેરલો ભરીને ક્રુડ મગાવ્યું, આપણે ત્યાં દિવસ-રાત કારખાના ચાલુ રાખીને રિફાઈન કર્યું અને દુનિયાને વેચીને ઢગલોબંધ પૈસા કમાવ્યા. દુનિયાને લાગતું હતું કે ભારત તેલ વગર રઝળી પડશે. પણ ભારત દુનિયાનું ચોથું સૌથી મોટું રિફાઈનિંગ હબ બનીને સામે આવ્યું. એટલે કે હવે આપણે ખાલી કાચુ તેલ ખરીદતા જ નથી પણ તેને પ્રોસેસ કરીને પેટ્રોલ-ડીઝલ બનાવીને આખી દુનિયામાં વેચીને ઢગલા મોઢે રૂપિયા કમાવીએ છીએ. અને છેલ્લે... કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુની CJPનાં આંદોલન વિશેની કોમેન્ટથી સોશિયલ મીડિયામાં આગ લાગી છે. તેમણે કહ્યું કે જંતર-મંતર પર હજારો લોકો હતાં પણ એકપણ ગોળી નથી ચાલી અને કોઈને ગંભીર ઈજા નથી થઈ. તેમણે દિલ્લી પોલિસીના તારીફના પૂલ પણ બાંધ્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પ્રદર્શનકારીઓ માટે નવું નામકરણ થયું હતું દિમાગી નક્સલ. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
Read full article on Divya Bhaskar