top
વરાછામાં ચોથા માળે ફ્લેટનો દરવાજો જામ થતાં પરિવાર ફસાયો:3 બાળકો સહિત 6 સભ્યો ઘરમાં કેદ થતાં સોસાયટીમાં દોડધામ મચી, ફાયર બ્રિગેડે લોક તોડી તમામને બહાર કાઢ્યા
સુરતના વરાછા વિસ્તારમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટનો મુખ્ય દરવાજો અચાનક જામ થઈ જતાં અંદર રહેલા એક જ પરિવારના ત્રણ સંતાનો સહિત 6 સભ્યો કેદ થઈ ગયા હતા. બંધ ફ્લેટમાં સભ્યો ગભરાઈ જતાં સોસાયટીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અંતે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોક તોડી પરિવારના તમામ સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા. સવારે અચાનક દરવાજો જામ થયો, પરિવારજનો ગભરાયા વરાછા ખાતે આવેલા ‘શણગાર પેલેસ’ના ચોથા માળે જૈન પરિવાર રહે છે. પરિવારના સભ્યો ઘરમાં દૈનિક કામકાજ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મુખ્ય દરવાજો લોક થઈ ગયો હતો. અંદરથી પરિવારજનોએ દરવાજો ખોલવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો સહેજ પણ ખસ્યો નહોતો. ચોથા માળે બંધ ઘરમાં પુરાઈ જવાને કારણે પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ આસપાસના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બહારથી દરવાજો ખોલવા તેમજ લોક હટાવવા માટે ખુબ પ્રયાસ કર્યા હતા, પરંતુ જૂની ઢબનું લોક અંદરથી પૂરેપૂરું જામ થઈ ગયું હોવાથી સ્થાનિકોની મહેનત નિષ્ફળ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડે 15 મિનિટમાં લોક તોડી રેસ્ક્યુ કર્યું કૉલ મળતાં જ સ્થાનિક ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે શણગાર પેલેસ પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક સાધનોની મદદથી જામ થઈ ગયેલા લોકને તોડી નાખ્યું હતું અને માત્ર 10થી 15 મિનિટની જહેમત બાદ દરવાજો ખોલી અંદર ફસાયેલા તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા. તમામ સભ્યો સુરક્ષિત બહાર આવતાં પરિવારજનો અને પાડોશીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ‘જુનો લોક જામ થઈ ગયો હતો’ સબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, ફ્લેટનો દરવાજો જૂનો હતો અને તેનું લોક અંદરથી પૂરેપૂરું જામ થઈ જતાં દરવાજો ખોલવો શક્ય નહોતો. અમારી ટીમે સાધનો વડે લોક તોડીને પરિવારના તમામ 6 સભ્યોને ગણતરીની મિનિટોમાં સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Read full article on Divya Bhaskar