crime
ક્રેન, રેમ્પ અને ફુવારા વચ્ચે બાપ્પાને વિદાય:3500થી વધુ ગણેશ મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન, નદી-તળાવમાં અકસ્માત રોકવા બનાવ્યો હાઈટેક કૃત્રિમ કુંડ
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન કુદરતી જળાશયો, નદીઓ કે તળાવોમાં વિસર્જન વેળાએ સર્જાતી ડૂબી જવાની અને અન્ય જીવલેણ અકસ્માતોની ઘટનાઓને અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા વિશેષ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી અને આસ્થા સચવાઈ રહે તે હેતુથી અત્યંત સુરક્ષિત અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુચારુ વ્યવસ્થાના પરિણામે અત્યાર સુધીમાં 3,500થી પણ વધુ ગણેશ મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન પૂર્ણ થયું છે. મોટી મૂર્તિઓ માટે ક્રેન અને રેમ્પની ખાસ વ્યવસ્થા ભાવિક ભક્તો કોઈપણ અગવડ વિના વિસર્જન કરી શકે તે માટે કુંડ પાસે ખાસ ઢાળવાળો રેમ્પ તૈયાર કરાયો છે, જેથી નાની મૂર્તિઓને ખંડિત થયા વગર સહેલાઈથી જળમાં પધરાવી શકાય છે. આ સાથે વિશાળ કદની ભારેખમ મૂર્તિઓને વિધિવત જળસ્થ કરવા માટે હાઈડ્રોલિક ક્રેનની સગવડ ઉપલબ્ધ કરાવાઈ છે. વિસર્જન સ્થળે ઉત્સવનો ઉમંગ જળવાઈ રહે અને તે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે રંગબેરંગી ફુવારા અને ભક્તિમય સંગીત રેલાવતી સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેને લીધે શહેરીજનો મોટી સંખ્યામાં પરિવાર સાથે અહીં પહોંચી રહ્યા છે. 24 કલાક ફાયર વિભાગનો કાફલો ખડેપગે કોઈપણ પ્રકારની કટોકટી કે અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના જવાનોને 24 કલાક સ્થળ પર સાધન-સામગ્રી સાથે તૈનાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પર્યાવરણ અને જળસ્ત્રોતોની પવિત્રતા જળવાય તે માટે મનપાએ નવતર અભિગમ અપનાવ્યો છે. મૂર્તિઓ સાથે આવતા હાર-ફૂલ અને પૂજા સામગ્રી કુંડમાં નાખવાને બદલે અલગ કન્ટેનરમાં એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ એકઠા થયેલા નિર્માલ્યનો યોગ્ય નિકાલ કરી તેમાંથી ઓર્ગેનિક ધૂપ અને અગરબત્તી બનાવી પર્યાવરણપૂરક ઉપયોગમાં લેવાની દિશામાં પાલિકા આગળ વધી રહી છે.
Read full article on Divya Bhaskar