crime
સુરેન્દ્રનગરમાં 355 વાહનોની હરાજી થઈ:પોલીસને રૂ. 33.75 લાખની આવક; અલગ-અલગ જિલ્લાઓના વેપારીઓએ ભાગ લીધો
સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસે લાંબા સમયથી પોલીસ સ્ટેશનોમાં પડેલા બિનવારસી અને પેન્ડિંગ મુદ્દામાલના 355 વાહનોની જાહેર હરાજી કરી. 2 નવેમ્બર, 2026ના રોજ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોજાયેલી હરાજીથી રૂ. 33.75 લાખની આવક થઈ.રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ડિવિઝનનાં પોલીસ સ્ટેશનોમાં પડેલા વાહનોનો કાયદેસર નિકાલ કરવા સૂચના આપી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાણીની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે સંબંધિત કોર્ટ તથા મામલતદાર કચેરીમાંથી જરૂરી હુકમો મેળવ્યા હતા. ત્યારબાદ હરાજી માટે વિશેષ કમિટી બનાવવામાં આવી હતી.હરાજીમાં સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝનનાં 124, સીટી બી ડિવિઝનનાં 53, જોરાવરનગરનાં 56, વઢવાણનાં 38, મુળીનાં 38 અને લખતરના 46 વાહનો સામેલ હતા. અલગ-અલગ જિલ્લાઓના વેપારીઓ હરાજીમાં હાજર રહ્યા હતા. પોલીસે વાહનોના અલગ-અલગ લોટ બનાવી નિયમ મુજબ હરાજી કરી. મળેલી રૂ. 33.75 લાખની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar