crime
ખાપટમાં રોકડિયા હનુમાનથી રાતડા સીમ શાળા સુધીનો માર્ગ બિસમાર:4થી 5 વખત ખાતમુહૂર્ત છતાં રસ્તાનું કામ અધૂરું, કાદવ-કીચડ અને ખાડાઓથી લોકો પરેશાન
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રોકડિયા હનુમાન ચોકડીથી રાતડા સીમ શાળા સુધીનો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ જતાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિટી બસ સહિતના વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. કાગળ પર રસ્તો મંજૂર, પરંતુ સ્થળ પર માત્ર ખાડા અને ખોદકામ સ્થાનિક અગ્રણી પુંજાભાઈ કેશવાલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ માર્ગ માટે અગાઉ 3થી 4 વખત કાગળ પર મંજૂરી મળી ચૂકી છે અને 4થી 5 વખત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં આજદિન સુધી રસ્તાનું નક્કર નિર્માણ થયું નથી. વિવિધ કામો માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યા બાદ તેનું યોગ્ય સમારકામ પણ કરવામાં આવતું ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. પુંજાભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે, "તંત્રથી રસ્તો ન બનતો હોય તો અમને લેખિતમાં આપે, અમે સ્વખર્ચે રસ્તો બનાવીશું." તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે, રસ્તાની બિસ્માર હાલતને કારણે કોઈ નાગરિક સાથે અકસ્માત સર્જાય તો નગરપાલિકા અને જિલ્લા પંચાયત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અડધો ડઝનથી વધુ સોસાયટીઓના હજારો રહીશો પરેશાન આ માર્ગની ખરાબ હાલતની સીધી અસર આસપાસની અનેક સોસાયટીઓના રહીશો પર પડી રહી છે. કર્મચારી સોસાયટી, વિરાજ પાર્ક, ખોડિયાર સોસાયટી, સન સિટી અને ગીતા નગર સહિતના વિસ્તારોના લોકો તેમજ રાતડા સીમ શાળા અને સુરુચિ સ્કૂલ વિસ્તારમાં આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને વૃદ્ધો માટે અવરજવર મુશ્કેલ કાદવ-કીચડ અને ખાડાઓના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વૃદ્ધો માટે આ રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જતી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ આ માર્ગનું તાકીદે પાકું અને યોગ્ય રીતે નિર્માણ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
Read full article on Divya Bhaskar