crime
સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મના 4 કેટરિંગ સ્ટોલ સીલ:વાસી ખોરાક અને ગંદકી મળી, મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સંચાલકોમાં ફફડાટ
દેશના સૌથી વ્યસ્ત અને 'A-1' કેટેગરીમાં સ્થાન ધરાવતા સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતાં હોવાનો મોટો પર્દાફાશ થયો છે. સ્ટેશન પર પીરસાતા ખાનપાનની હલકી ગુણવત્તા અને કિચનમાં સ્વચ્છતાના અભાવ મુદ્દે પશ્ચિમ રેલવે તંત્રએ લાલ આંખ કરી છે. રેલવેના સક્ષમ અધિકારીઓએ અચાનક હાથ ધરેલા સરપ્રાઈઝ ચેકિંગ બાદ નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર મોટા કેટરિંગ યુનિટોને તાત્કાલિક અસરથી સીલ મારી બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. આ ચાર કેટરિંગ યુનિટ્સ સામે કાર્યવાહીનો સપાટો વાસી સામગ્રી, ખુલ્લો ખોરાક અને ભારે ગંદકી પકડાઈ સુરત રેલવે સ્ટેશન પરથી રોજેરોજ હજારો મુસાફરો દેશભરમાં પ્રવાસ કરે છે, જેઓ પ્લેટફોર્મ પરથી ગરમ ભોજન, નાસ્તો, પેક્ડ ફૂડ અને પીવાનું પાણી ખરીદતા હોય છે. રેલવે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્ટોલધારકો દ્વારા રાંધેલા ખોરાકનું અસુરક્ષિત સ્ટોરેજ કરવામાં આવતું હતું અને વાસી ઘટકોનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત રસોઈ સ્ટાફ ગ્લોવ્ઝ કે કેપ વિના જ ફૂડ હેન્ડલિંગ કરતો હતો તેમજ સ્ટોલની આસપાસ ભારે ગંદકી જોવા મળી હતી. મુસાફરોના સ્વાસ્થ્ય સાથે સીધું જોખમ ઊભું કરતી આ ઘોર બેદરકારી સામે આવતા જ રેલવે પ્રશાસને દંડાત્મક પગલાં ભર્યા હતા. નિયમો નહીં પળાય તો લાઈસન્સ રદ થશે: તંત્રની ચેતવણી આ કડક કાર્યવાહી બાદ રેલવે અધિકારીઓએ તમામ કેટરિંગ કોન્ટ્રાક્ટરો, સ્ટોલ સંચાલકો અને રસોઈ સ્ટાફને કડક સૂચના આપી છે કે ફૂડ હેન્ડલિંગ, સેનિટેશન અને અંગત સ્વચ્છતાના નિયમોનું અક્ષરશઃ પાલન કરવું પડશે. અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન અભિયાન સતત ચાલુ રહેશે. નિયમોનો ભંગ કરનારા સ્ટોલના લાઈસન્સ કાયમ માટે રદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar