crime
કારોબારી બેઠકમાં 46 ભંગાર વાહનોના નિકાલથી 32 લાખ મેળવવા નિર્ણય:મોરબી મનપા કચેરીના કમ્પાઉન્ડમાં નખાયેલા પેવર બ્લોકના 18 લાખના બિલે સર્જ્યો વિવાદ, કારોબારી સમિતિએ અટકાવ્યું
મોરબી મહાનગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મનપા કચેરીના કમ્પાઉન્ડમાં પેવર બ્લોક લગાવવાના રૂ.18 લાખના બિલમાં વિસંગતતા જણાતાં તેની ચુકવણી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ, મનપાનાં 46 જૂનાં ભંગાર વાહનોના નિકાલથી રૂ.32 લાખની આવક મેળવવા તથા લાલપર ડમ્પિંગ સાઇટ ખાતે રૂ.147 કરોડના ખર્ચે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત મચ્છુ નદીની જળકુંભી દૂર કરવાની કામગીરી મનપા પોતાના ખર્ચે કરાવશે. દિવાળી પહેલાં મળેલી બેઠકમાં મનપાની નવી કચેરીના કમ્પાઉન્ડમાં આશરે 10 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પેવર બ્લોક લગાવવા માટે એજન્સીએ રૂ.18 લાખનું બિલ રજૂ કર્યું હતું. જોકે, બિલમાં વિસંગતતા હોવાનું જણાવી કારોબારી સમિતિએ ચુકવણી અટકાવી હતી. વિસંગતતા અંગેની ચોક્કસ વિગતો જાહેર થઈ નથી. મનપા કચેરીમાં પડેલાં 46 જૂનાં અને ભંગાર વાહનોનો નિકાલ કરી રૂ.32 લાખની આવક મેળવવાનો નિર્ણય પણ લેવાયો છે. લાંબા સમયથી એજન્સી ન મળતાં અટકેલા બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. લાલપર ડમ્પિંગ સાઇટ ખાતે 13 એકર જમીનમાં દરરોજ 250 ટન કચરાની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ રૂ.147 કરોડના ખર્ચે બનાવાશે. આ પ્રોજેક્ટમાં 40 ટકા હિસ્સો મનપાનો અને 60 ટકા ખર્ચ કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીનો રહેશે. એજન્સી 15 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે. મનપા ઉપરાંત આસપાસનાં ગામડાંનો કચરો પણ અહીં લાવવામાં આવશે. બીજી તરફ, મચ્છુ નદીમાં વધતી જળકુંભીથી કચરો અને મચ્છરોની સમસ્યા સર્જાતી હોવાથી મનપા સ્વખર્ચે નિયમિત સફાઈ કરાવશે અને જરૂરી સાધનો પણ પૂરાં પાડશે. નંદીઘર સુધી ઘાસચારો પહોંચાડવાની વ્યવસ્થા મનપા કરશે નંદીઘરમાં રાખવામાં આવેલા બિનવારસી નંદીઓ માટે અલગ-અલગ સ્થળેથી દાતાઓ ઘાસચારો આપે છે. અત્યાર સુધી દાતાઓએ ઘાસચારો નંદીઘર સુધી પહોંચાડવો પડતો હતો. હવે મનપા પોતે ઘાસચારાના વહન માટે વ્યવસ્થા કરશે અને તેનો ખર્ચ મહાનગરપાલિકાના ભંડોળમાંથી ચૂકવશે. આ નિર્ણય પણ કારોબારી બેઠકમાં લેવાયો છે. આજે સામાન્ય સભામાં કારોબારીના નિર્ણયો પર ચર્ચા દિવાળીના તહેવારની રજાઓને ધ્યાનમાં રાખીને મનપામાં બુધવારે કારોબારી સમિતિની બેઠક બોલાવાઈ હતી. તેના બીજા દિવસે એટલે કે આજે ગુરુવારે સામાન્ય સભા મળશે. તેમાં કારોબારી સમિતિ તેમજ અગાઉ મળેલી વિવિધ સમિતિઓની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો પર ચર્ચા કરી જરૂરી મુદ્દાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar