top
પોક્સો કેસના 48 કલાકમાં આરોપીને 20 વર્ષની કેદ:ગુફરાન મોજાહિદ પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું, પીડિતાને 2 લાખનું વળતર ચૂકવવા આદેશ
ગુજરાતની ન્યાયપાલિકાના ઇતિહાસમાં કલોલની કોર્ટે ચાર્જશીટ રજૂ થયાના માત્ર 48 કલાકમાં અને તેમાં પણ વાસ્તવિક કોર્ટ કાર્યવાહીના માત્ર 15 કલાકના રેકોર્ડબ્રેક સમયગાળામાં પોક્સોના કેસની સમગ્ર ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ બે લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિતાને 2 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરયો છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું આ પ્રકરણની વિગતવાર વાત કરીએ તો, મૂળ બિહારના અરરીયા જિલ્લાના વતની અને કલોલના સાંતેજ-વડસર રોડ પર આવેલી જેડીએસ કાસ્ટઇંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની રૂમમાં રહેતા ગુફરાન મોજાહિદ પઠાણ નામના યુવકે એક કુમળી વયની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર કૃત્ય અંગે ભોગ બનનારના પરિવાર દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. જે કેસ કલોલના ત્રીજા સેસન્સ જજ બી. આર. રાજપુતની કોર્ટ સમક્ષ ચાલી જતા સરકાર તરફે એ.પી.પી. જિગ્નેશ એચ. જોષી દ્વારા માત્ર એક જ દિવસની અંદર કેસના તમામ મહત્ત્વના સાક્ષીઓની જુબાનીઓ લઈ ધારધાર દલીલો કરવામાં આવી હતી. આરોપીને ગુફરાન મોજાહિદ પઠાણને 20 વર્ષની કેદ બંને પક્ષોની વિસ્તૃત દલીલો, મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી રેકોર્ડ્સને ઊંડાણપૂર્વક ચકાસ્યા બાદ કોર્ટે પોતાના મહત્ત્વપૂર્ણ અવલોકનમાં સ્પષ્ટ કર્યું હતું કે કાયદાનો મૂળ ઉદ્દેશ જ એ છે કે બાળકો ભયમુક્ત વાતાવરણમાં ખીલી શકે, પુખ્ત વયે પહોંચીને દેશના જવાબદાર નાગરિક બને અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. જો આવા માસૂમ બાળકો પર માનસિક કે શારીરિક અત્યાચારો અવિરત ચાલુ રહેશે તો તંદુરસ્ત સમાજની કલ્પના જ અશક્ય બની જાય છે. આમ પોક્સોના ગંભીર ગુનામાં આરોપીને ગુફરાન મોજાહિદ પઠાણને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદ અને બે લાખનો દંડ ભોગવવાં કોર્ટે હુકમ કર્યો છે. ઉપરાંત પીડિતાને ગુજરાત સરકારની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019 હેઠળ ડીએલએસએ ગાંધીનગર દ્વારા બે લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
Read full article on Divya Bhaskar