top
વનપાલ-વનરક્ષકોના આંદોલનનો ચોથો દિવસ:5 પડતર માંગણીઓ નહીં સંતોષાય તો સત્યાગ્રહ છાવણી નહીં છોડીએ
રાજ્યના વનપાલ અને વનરક્ષકો દ્વારા પોતાની પડતર માગણીઓના ઉકેલ માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે શરૂ કરવામાં આવેલો ઉપવાસ અને આંદોલન ચોથા દિવસે પણ યથાવત્ છે. ભાવનગરથી આવેલા પોલીસ અધિકારી એલ.ડી. જાંબુચાએ જણાવ્યું હતું કે, તેમની પાંચ મુખ્ય માગણીઓ લાંબા સમયથી પડતર છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેનો કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી. જ્યાં સુધી માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી સત્યાગ્રહ છાવણી છોડવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પાંચ મુખ્ય માગણીઓ છે આંદોલનકારીઓની પ્રથમ માગણી રિસ્કી અલાઉન્સ આપવાની છે. બીજી માગણી મુજબ કર્મચારીઓને સંપૂર્ણ રજા પગારનો લાભ મળવો જોઈએ. ત્રીજી માગણી વનપાલ અને વનરક્ષકનું મહેકમ વધારવાની છે. ચોથી માગણી ગ્રેડ પેમાં રહેલી વિસંગતતા દૂર કરવાની છે. એલ.ડી. જાંબુચાના જણાવ્યા મુજબ, તેમના કરતાં નીચલી કક્ષાના કર્મચારીઓને રૂ.1900 ગ્રેડ પે મળે છે, જ્યારે તેમને 1800 ગ્રેડ પે આપવામાં આવે છે. આ વિસંગતતા દૂર કરી યોગ્ય ગ્રેડ પે આપવાની માગ કરવામાં આવી છે. પાંચમી માગણીમાં લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નોનો ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી છે. સોમવારે મંત્રી સાથે બેઠકની શક્યતા આંદોલનના ચોથા દિવસે પણ માગણીઓનો ઉકેલ ન આવતાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે, સરકાર તરફથી સોમવારે આંદોલનકારીઓની કમિટીને મંત્રી સાથે બેઠક માટે બોલાવવામાં આવશે તેવો મેસેજ મળ્યો હોવાનું જાંબુચાએ જણાવ્યું હતું. હવે સોમવારે યોજાનારી સંભવિત બેઠકમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે. મંડપની મંજૂરી ન મળતાં તડકામાં બેસવાની સ્થિતિ આંદોલનકારીઓને સત્યાગ્રહ છાવણી ખાતે મંડપ બાંધવાની મૌખિક મંજૂરી મળી હતી, પરંતુ ત્યારબાદ પોલીસ વિભાગે આવીને મંડપ બાંધવાની ના પાડતાં મંડપ હટાવી દેવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા કલેક્ટરની મંજૂરી લઈને આવવાનું કહેવામાં આવ્યું હોવાનું જાંબુચાએ જણાવ્યું હતું. હાલ કર્મચારીઓ તડકામાં બેસીને વિરોધ કરી રહ્યા છે. શનિવાર અને રવિવારે રજા હોવાથી સોમવારે કલેક્ટર પાસેથી મંડપ બાંધવાની મંજૂરી મેળવવા પ્રયાસ કરવામાં આવશે. જો મંજૂરી નહીં મળે તો તડકામાં જ બેસીને આંદોલન ચાલુ રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જાંબુચાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમારી પાંચેય માગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે સત્યાગ્રહ છાવણી છોડવાના નથી.
Read full article on Divya Bhaskar