crime
ગોધરા પંથકના શખ્સે 5 વર્ષની પુત્રીને ભેટકડીની વાડીએ મૂકી હતી:પુત્રીને વાડીએ મૂકી પિતા ગાયબ, રૂ.5 હજાર લઈ ગયા બાદ આજદિન સુધી પરત ન ફર્યા
પોરબંદર તાલુકાના ભેટકડી ગામે ત્રણ વર્ષ પહેલાં એક શખ્સ પોતાની 5 વર્ષની પુત્રીને વાડીએ મૂકીને રૂ.5 હજાર લઈને જતો રહ્યો હતો અને ત્યારબાદ પરત ન ફરતાં હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા આસપાસનો અજય નામનો શખ્સ વડોદરા નજીક હાઈવે પર પ્લાસ્ટિકનો કચરો વીણવાનું કામ કરતો હતો. તે દરમિયાન પોરબંદર તાલુકાના ભેટકડીના ખેડૂત રાયદેભાઈ કારાભાઈ ખુંટી સાથે સંપર્ક થતાં અજય તેમની વાડીએ 5 વર્ષની પુત્રી શીવાની સાથે આવ્યો હતો અને સાત-આઠ દિવસ મજૂરી કામ કર્યું હતું. ત્યારબાદ અજય પુત્રીને વાડીએ મૂકીને વતનમાંથી પરિવારના સભ્યો અને ઓળખના દસ્તાવેજો લઈ આવવાનું કહી ખેડૂત પાસેથી રૂ.5 હજાર ખર્ચ પેટે લઈને ગયો હતો. જોકે, તે પરત ન ફરતાં ખેડૂત પરિવારે શીવાનીને સાત-આઠ મહિના પોતાની પાસે રાખી હતી. બાદમાં બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી તા.22/05/2024ના રોજ બાળકીને વિભાગને સોંપી હતી. આશરે બે મહિના પહેલાં વિભાગના કર્મચારીઓએ પિતા વિરુદ્ધ ફરિયાદ કરવા જણાવ્યા બાદ રાયદેભાઈએ બગવદર પોલીસ સમક્ષ દીકરીને સંપૂર્ણ ત્યજી દેવાના ઇરાદે વાડીએ છોડી જતો રહેનાર અજય ફરિયાદ નોંધાવી છે. અજયનું માત્ર નામ અને ગોધરા આસપાસના વતની હોવાની જ વિગતો સામે આવી છે. તેનું પૂરું નામ, સરનામું કે પરિવારના અન્ય સભ્યોની ઓળખ ફરિયાદીને ખબર નથી.
Read full article on Divya Bhaskar