crime
પોરબંદરમાં પ્લોટમાં ગેટ લગાવવાના મામલે બે જૂથ વચ્ચે મારામારી:યુવકને માથામાં 5થી 6 ટાંકા, હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા, કમલાબાગ પોલીસ મથકે ગુનો
પોરબંદરના છાયા પંચાયત ચોકી પાસે આવેલા વૈશાલીનગર વિસ્તારમાં પ્લોટમાં ગેટ લગાવવાની બાબતને લઈને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતાં એક જૂથ દ્વારા લાકડી-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવકને માથામાં ટાંકા, આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા આ અંગે ફરિયાદી હિરેનભાઈ નટવરલાલ પાઉંની ફરિયાદ મુજબ, આરોપીઓ કારાભાઈ રામાભાઈ ભુતીયા, કેતન કારાભાઈ ભુતીયા, કિશોર કારાભાઈ ભુતીયા, રાંભીબેન કારાભાઈ ભુતીયા તેમજ કિશોર અને કેતનની પત્નીઓએ ભેગા મળી ગાળો આપી હતી. ત્યારબાદ તેમના પુત્ર કિશન પર લાકડી-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કિશનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પાંચથી છ ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે જમણા હાથની આંગળીમાં પણ ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પિતા, માતા અને કાકા સાથે પણ મારામારીનો આક્ષેપ ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, હુમલાખોરોએ હિરેનભાઈને પણ માર માર્યો હતો. આ ઉપરાંત તેમની પત્ની હેતલબેન અને ભાઈ કમલભાઈ સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની પણ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે. કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ પ્લોટમાં ગેટ લગાવવાની બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચ્યો હતો. આ મામલે હિરેનભાઈ નટવરલાલ પાઉંએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar