crime
5 ફૂટ લાંબા સાપને મોંથી શ્વાસ આપી જીવ બચાવ્યો, VIDEO:કેમિકલવાળું પાણી પી જતા બેભાન થયો'તો, સ્નેક કેચર ઓબ્ઝર્વેશનમાં; વાપી GIDCની ઘટના
વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેલા ETP પ્લાન્ટ નજીક કેમિકલવાળા પાણીથી બેભાન થયેલા 5 ફૂટ લાંબા બિન-ઝેરી ધામણ સાપને સ્નેક કેચરે મોં વડે CPR આપીને નવજીવન બક્ષ્યું છે. સ્નેક કેચર સંજય પવારે પોતાની જાનની પરવા કર્યા વિના અત્યંત ગંભીર હાલતમાં રહેલા સાપને કૃત્રિમ શ્વાસ આપ્યા હતા. આ ભગીરથ કાર્ય બાદ સાપનો જીવ બચી ગયો છે, જ્યારે સંજય પવારને પણ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. કેમિકલવાળા પાણીથી સાપ થયો બેભાન વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેલી IGCL / ઇન્ડિયા ગિલેટ કંપનીના ETP પ્લાન્ટ પાસે એક અનોખી ઘટના સામે આવી છે. અહીં કેમિકલવાળા પાણીની ટાંકી નજીક આશરે 5 ફૂટ લાંબો બિન-ઝેરી ધામણ સાપ જોવા મળ્યો હતો. ટાંકીના ઝેરી કેમિકલના સંપર્કમાં આવવાને કારણે સાપ સંપૂર્ણપણે બેભાન થઈ ગયો હતો અને તેના શ્વાસ અટકી રહ્યા હતા. સ્નેક કેચરે જાનના જોખમે આપ્યો CPR આ ઘટના અંગે તુરંત જાણ કરવામાં આવતાં જ સ્નેક કેચર સંજય પવાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ETP ટાંકીના કેમિકલથી ગંભીર બનેલા અને શ્વાસ માટે તરફડતા સાપને જોઈને પોતાની જાનનું જોખમ ખેડ્યું હતું. તેમણે સમય સૂચકતા વાપરીને બેભાન સાપને પોતાના મોં વડે જ કૃત્રિમ શ્વાસ એટલે કે CPR આપવાનું સાહસિક કાર્ય શરૂ કર્યું હતું. સતત પ્રયાસો બાદ સાપનો જીવ બચ્યો સંજય પવારના ભગીરથ અને સતત પ્રયાસોના પરિણામે અટકી ગયેલા સાપના શ્વાસ પુનઃ શરૂ થયા હતા અને સાપને નવજીવન મળ્યું હતું. સફળતાપૂર્વક CPR આપ્યા બાદ હાલ સાપને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. સાપ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા બાદ વનવિભાગ સાથે રહીને તેને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. સ્નેક કેચરને ચેપ અને એલર્જીનો ખતરો કેમિકલયુક્ત પાણીથી અસરગ્રસ્ત અને જંગલી ખોરાક ખાતા સાપને સીધા મોં વડે CPR આપવાને કારણે સંજય પવાર પર પણ ગંભીર ચેપ કે એલર્જીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ આરોગ્ય વિષયક જોખમને ધ્યાને રાખીને સાપનો જીવ બચાવનાર સંજય પવારને પણ 24 કલાક માટે તબીબી દેખરેખ અને ઓબ્ઝર્વેશન હેઠળ રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિકો અને કર્મચારીઓએ કરી પ્રશંસા પોતાના જીવની પરવા કર્યા વિના એક મૂંગા જીવની રક્ષા કરનાર સ્નેક કેચર સંજય પવારની આ અદભુત હિંમત, સૂઝબૂઝ અને જીવદયાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો પણ તેમના આ નિઃસ્વાર્થ કાર્યને બિરદાવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar