crime
સુરતમાં રઝળતી મૂર્તિઓ મળી, દશામાંની આવી દશા?:અર્ધવિસર્જિત 500થી વધારે પ્રતિમાનું દરિયામાં શ્રદ્ધાથી પુનઃવિસર્જન
દસ દિવસની માતા દશામાની પ્રતિમાનું ભાવપૂર્વક આરાધના બાદ તાપી નદીમાં તેમજ અન્ય ઓવારા ઉપર વિસર્જન કરાયું હતું. જો કે, ઓછા પાણીના કારણે કેટલીક જગ્યાએ પ્રતિમાઓ વિસર્જિત થઈ શકી ન હતી. આવી મૂર્તિઓ તેમજ રસ્તે રઝળતી અન્ય દશામાની 500થી વધુ પ્રતિમાઓનું સાંસ્કૃતિ રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા મગદલ્લા દરિયામાં શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસની આરાધના બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન સુરતમાં દર વર્ષે દશામાતાજીના પર્વની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે, દશામાતાજીની ભાવપૂર્વક આરાધના કરવાથી ઘરના દશા બદલાઈ છે અને સુખના દિવસો આવે છે. માતાજી પ્રત્યે લોકોની આસ્થા દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહી છે, 10 દિવસની આરાધના બાદ દશામાની પ્રતિમાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન પણ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક તાપી નદીમાં તેમજ ઓવારા ઉપર અને કૃતિમ તળાવોમાં ઓછા પાણીના કારણે પ્રતિમાનું યોગ્ય રીતે વિસર્જન થઈ શકતું નથી અને ભાવિક ભક્તોની લાગણીઓ દુભાઈ છે. 500થી વધુ દશામાતાજીની પ્રતિમાઓનું દરિયામાં પુન:વિસર્જન શહેરમાં એવી અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ છે જેઓ આવી રસ્તે રઝળથી અને અર્ધવિસર્જિત થયેલી પ્રતિમાઓનું પુનઃ વિસર્જન કરીને ભક્તોની ધાર્મિક ભાવનાઓ જાળવી રાખે છે, સાથે સાથે પર્યાવરણની પણ જાળવણીમાં મદદરૂપ થાય છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, શ્રી માધાવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા શહેરના મધુરમ સર્કલ નહેર, ખરવાસા નહેર સહિત વિવિધ નહેરો અને અન્ય સ્થળોએ દશામાતાજીની અનેક પ્રતિમાઓ અર્ધવિસર્જિત તથા રસ્તે રઝળતી હાલતમાં રહેલી 500થી વધુ દશામાતાજીની પ્રતિમાઓને સન્માનપૂર્વક બહાર કાઢી ધાર્મિક વિધિ તથા શ્રદ્ધાભાવ જાળવી મગદલ્લા દરિયામાં પુન:વિસર્જન કરવામાં આવ્યું. 'પ્રતિમાને નહેર, કાદવ કે ગંદા પાણીમાં રઝળતી ન મૂકીએ' તેઓએ વધુમાં જણાવ્યું કે, કોઈ પણ મૂર્તિને નહેરમાં, કાદવમાં કે ગંદા પાણીમાં રઝળતી મૂકવી એ આપણી જ આસ્થાનું અપમાન છે. આ ટ્રસ્ટ દ્વારા માતાજીની સ્થાપના જેટલી શ્રદ્ધાથી કરીએ છીએ, તેટલી જ શ્રદ્ધાથી તેમનું વિસર્જન પણ કરીએ. આપણી થોડીક સુવિધા માટે માતાજીની પ્રતિમાને નહેર, કાદવ કે ગંદા પાણીમાં રઝળતી ન મૂકીએ. યોગ્ય સ્થળે અને યોગ્ય પદ્ધતિથી વિસર્જન કરીએ. આસ્થા સાથે પર્યાવરણની પણ રક્ષા કરીએ, તેવી અપીલ પણ કરી હતી. કૃત્રિમ તળાવોમાં 10,493 દશામાની મૂર્તિઓનું વિસર્જન શહેરીજનોની સુવિધાને ધ્યાને રાખી સુરત મહાનગર પાલિકા દ્વારા દશામાની મૂર્તિના વિસર્જન માટે અલગ-અલગ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. જેમાં શનિવારે બપોરથી સાંજ સુધીમાં કુલ 10,493 જેટલી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માતાની મૂર્તિઓની સ્થાપના અને પૂજા પાઠ બાદ ભક્તોને દૂર સુધી વિસર્જન માટે જવું નહી પડે તે માટે મનપાએ સેન્ટ્રલ ઝોન, પશ્ચિમ ઝોન. નોર્થ ઝોન, નવો પૂર્વ ઝોન અને સાઉથ વેસ્ટ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવ્યા હતા. પાલિકા દ્વારા દર વર્ષે ભક્તોની સુવિધા-સરળતા માટે આ તળાવો બનાવવામાં આવે છે.
Read full article on Divya Bhaskar