top
કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના પેકેટમાં ઝડપાયો 5.5 કિલો હાઇડ્રોપોનિક ગાંજો:અમદાવાદ એરપોર્ટ પર વિયેતનામથી હેન્ડબેગમાં ડ્રગ્સ લાવતા મુંબઈના શખ્સની ધરપકડ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી સોના અને નશીલા પદાર્થોની ગેરકાયદે દાણચોરીના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. વિદેશથી આવતા દાણચોરો કસ્ટમ્સ વિભાગની નજરથી બચવા માટે રોજ નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે પરંતુ, સતર્ક કસ્ટમ્સ અધિકારીઓ તેમની દરેક ચાલને નિષ્ફળ બનાવી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરાના એક દંપતીને કરોડો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ, હવે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ હો ચી મિન્હ સિટી (વિયેતનામ)થી આવેલા મુંબઈના એક મુસાફર પાસેથી ₹5 કરોડથી વધુની અંદાજિત કિંમત ધરાવતો 5.5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના પેકિંગમાં નશીલો પદાર્થ છુપાવ્યો અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટના સતર્ક અધિકારીઓએ ચોક્કસ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે ફ્લાઇટ નંબર VJ-1805 મારફતે વિયેતનામથી અમદાવાદ એરપોર્ટ ઉતરેલા મુંબઈના એક પુરુષ મુસાફરને શંકાના આધારે અટકાવ્યો હતો. આ પેસેન્જર પોતાની સાથે લાવેલી હેન્ડબેગમાં ખૂબ જ બિન્ધાસ્ત અંદાજમાં નશીલો પદાર્થ લઈને ફરી રહ્યો હતો. અધિકારીઓની આંખમાં ધૂળ નાખવા માટે આરોપીએ કૂકીઝના ત્રણ બોક્સ અને કોર્ન ફ્લેક્સના એક સીલબંધ પેકેટની અંદર અત્યંત ચાલાકીપૂર્વક આ પ્રતિબંધિત પદાર્થ સંતાડ્યો હતો, જેથી સામાન્ય તપાસમાં તે નાસ્તાની ચીજવસ્તુ લાગે. એક્સ-રે સ્કેનિંગમાં શંકાસ્પદ ઈમેજ દેખાતાં ભાંડો ફૂટ્યો કસ્ટમ્સ વિભાગ દ્વારા હેન્ડ બેગેજનું એક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવતાં જ સ્કેનરમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ હતી. આથી અધિકારીઓએ મુસાફરની બેગ ખોલાવીને સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન કૂકીઝ અને કોર્ન ફ્લેક્સના પેકેટોમાંથી એલ્યુમિનિયમ ફોઇલમાં વ્યવસ્થિત રીતે વીંટાળેલા કુલ 24 નાના-મોટા પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને જોતાં અંદરથી તીવ્ર ગંધ ધરાવતો લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. NDPS ફિલ્ડ ટેસ્ટમાં 5,519 ગ્રામ ગાંજો હોવાની પુષ્ટિ ઘટનાસ્થળે જ NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને અધિકારીઓ દ્વારા તાત્કાલિક રાસાયણિક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મળી આવેલો આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો (મેરિજુઆના) હોવાનું સ્પષ્ટ થયું હતું. કસ્ટમ્સ ટીમે વજન કરતાં આ જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થનું કુલ વજન 5,519.7 ગ્રામ નોંધાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં કિંમત ₹5 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ કરાઈ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ, 1985 (NDPS Act) ની કડક જોગવાઈઓ હેઠળ કસ્ટમ્સ વિભાગે તમામ પ્રતિબંધિત જથ્થો જપ્ત કરી લીધો છે અને મુંબઈ સ્થિત મુસાફરની વિધિવત ધરપકડ કરી છે. આ નશીલો પદાર્થ વિયેતનામથી કોણે મોકલ્યો હતો, અમદાવાદથી તે મુંબઈ કે અન્ય કોઈ શહેરમાં કોને ડિલિવર કરવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ પાછળ કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે દિશામાં કસ્ટમ્સ અને સંલગ્ન એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar