crime
5.8 ગ્રામ MD સાથે રિક્ષાચાલક અને હિસ્ટ્રીશીટર પ્લમ્બર ઝડપાયો:મોહમદ ઇમરાન અંસારી પાસેથી 2.790 અને જામીરઉલ્લા અંસારી પાસેથી 3.010 ગ્રામ ડ્રગ્સ મળ્યું, સપ્લાયર અંજુ પટેલ વોન્ટેડ
સુરતના અડાજણ પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ભુલાભાઈ પાર્ક સોસાયટી પાસે વોચ ગોઠવીને ઓટોરિક્ષામાં મેફેડ્રોન (MD) ડ્રગ્સની હેરાફેરી અને છૂટક વેચાણ કરતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ.17,400ની કિંમતનું 5.800 ગ્રામ MD ડ્રગ્સ, ઓટોરિક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ સપ્લાય કરનાર રાંદેરના અંજુ પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ અને ગુનાહિત ઇતિહાસ પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ ઓટોરિક્ષા (GJ-05-BW-6380)ને કોર્ડન કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. મોહમદ ઇમરાન ઇકબાલ અંસારી (ઉં.વ.24, રહે. સૈયદપુરા, વ્યવસાયે રિક્ષાચાલક) પાસેથી 2.790 ગ્રામ MD ડ્રગ્સ અને 1 મોબાઈલ જપ્ત કરાયો. જામીરઉલ્લા મતીઉલ્લા અંસારી (ઉં.વ.31, રહે. સરગમપુરા, વ્યવસાયે પ્લમ્બર) પાસેથી 3.010 ગ્રામ MD ડ્રગ્સ અને 1 મોબાઈલ મળી આવ્યો. જામીરઉલ્લા અગાઉ ખટોદરા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં સ્નેચિંગ તેમજ ચોરીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ અને NDPS એક્ટ હેઠળ ગુનો અડાજણ પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ.17,400ની કિંમતનું 5.800 ગ્રામ MD ડ્રગ્સ, રૂ.75,000ની ઓટોરિક્ષા અને રૂ.20,000ની કિંમતના 2 સ્માર્ટફોન મળીને કુલ રૂ.1,12,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સપ્લાયર અંજુ પટેલ વોન્ટેડ પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો રાંદેર વિસ્તારમાં રહેતા અંજુ પટેલ નામના શખ્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો. પોલીસે અંજુ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ તેજ કરી છે. આ ડ્રગ્સ નેટવર્ક શહેરના અન્ય કયા યુવાનો કે ગ્રાહકો સુધી પહોંચેલું હતું તે દિશામાં અડાજણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar