top
આનંદનગરમાં રક્ષાબંધનના પર્વે લોહિયાળ ઝઘડો:જૂની અદાવતમાં બે અલગ-અલગ જૂથના હુમલામાં મહિલાઓ સહિત સાતને ઈજા, જાનથી મારી નાખવાની ધમકી, 7 સામે પોલીસ ફરિયાદ
શહેરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે આનંદનગરમાં જૂની અદાવતે બે પક્ષો સામસામે આવી ગયા હતા, જેમાં મોસાળમાં રાખડી બાંધવા ગયેલી પરણિતા અને તેના પરિવાર પર ધોકા અને છરી જેવા હથિયારો સાથે સાત શખ્સોએ ઘાતકી હુમલો કરી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આનંદનગર તિલકનગર સ્લમબોર્ડ મફતગરમાં વિસ્તારમાં રહેતા તેજલબેન સોલંકી ગત તા.28 ના રોજ માતૃગૃહે રાખડી બાંધવા ગયા હતા, બપોરના સમયે ઘરમાં પરિવારજનો હાજર હતા ત્યારે હરેશ સોલંકી, આકાશ સોલંકી અને પ્રતાપ સોલંકી ત્યાં આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. તેજલબેને ના પાડતા હરેશે તેમને સાથળમાં અને આકાશે પેટના ભાગે ધોકાનો ઘા માર્યો હતો. તેમજ પ્રતાપે છરી મારવા જતા ભાઈની દીકરી પુષ્પાબેનને કપાળના ભાગે લસરકો થયો હતો. બૂમાબૂમ થતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ થોડીવારમાં પરેશ રાઠોડ, સુનીલ ચુડાસમા, રાહુલ રાઠોડ અને પરબત મોટરસાઈકલ લઈને ધસી આવ્યા હતા, પરેશે તેજલબેનના માતા લીલાબેનને કપાળમાં અને સુનીલે કોણી પાસે ધોકો માર્યો હતો, તેમજ વચ્ચે પડેલા માસી ગવુબેન અને છોડાવવા આવેલા અન્ય સભ્યોને પણ આડેધડ ધોકાના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો "તમારા ભાઈને જાનથી મારી નાખવાના છે" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા., અગાઉ એકાદ મહિના પહેલા થયેલી માથાકૂટની દાઝ રાખી આ હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્તોએ નીર વુમન્સ હોસ્પિટલ અને સર ટી. હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ તેજલબેન એ ઘોઘા રોડ પોલીસ મથકે હરેશ સોલંકી, પરેશ રાઠોડ, આકાશ સોલંકી, સુનિલ ચુડાસમા, પ્રતાપ સોલંકી, પરબત તથા રાહુલ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી...
Read full article on Divya Bhaskar