lifestyle
જયમાતાજી ગ્રુપ દ્વારા પંચવટી ચોકમાં શિવનંદન ગણેશોત્સવ યોજાયો:7 વર્ષથી પંચધાતુમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું
જામનગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જય માતાજી ગ્રુપ (પંચવટી) દ્વારા પંચવટી ચોક ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા ૨૦ વર્ષથી આ ગ્રુપ ગણેશોત્સવનું આયોજન કરે છે. ખાસ વાત એ છે કે છેલ્લા ૭ વર્ષથી ગ્રુપના સભ્યો પંચધાતુમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. આ વર્ષે પણ જય માતાજી ગ્રુપ દ્વારા ગણેશજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરીને પાંચ દિવસનો 'શિવનંદન ગણેશોત્સવ' યોજાયો હતો. ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંજે પૂજા-અર્ચના, આરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું. ગણેશોત્સવના છેલ્લા દિવસે સાંજે ભવ્ય અન્નકૂટનું આયોજન થયું હતું. અન્નકૂટ દર્શન પછી પંડાલમાં બિરાજમાન ગણેશજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાજર રહેલા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગ્રુપના સભ્યોએ પંડાલમાં બિરાજમાન ગણેશજી સામે દીવડા પ્રગટાવીને ઉજવણી કરી હતી. જય માતાજી ગ્રુપના શિવનંદન ગણેશોત્સવમાં સામાજિક અને રાજકીય આગેવાનો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આમ, જય માતાજી ગ્રુપ (પંચવટી) દ્વારા દર વર્ષની પરંપરા જાળવીને આ વર્ષે પણ ભક્તિ અને સેવાભાવ સાથે ગણેશોત્સવનું સફળ આયોજન કરાયું હતું. હાજર રહેલા સૌ લોકોએ આ આયોજનને આવકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે જય માતાજી ગ્રુપ ગણેશોત્સવ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ દરમિયાન લાણી વિતરણ, આશાપુરા માતાજીના દર્શને જતા પદયાત્રીઓ માટે આઈસ્ક્રીમ કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે.
Read full article on Divya Bhaskar