crime
સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર પટ્ટાથી હિચકારો હુમલો:રોફ જમાવતો વીડિયો વાઈરલ થતાં પોલીસે 7 આરોપીઓને ઝડપ્યા, કોઈ બચાવા ના આવે માટે છેડતી કર્યાની બુમો પાડી
અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને બોલાવીને એક સિક્યોરિટી ગાર્ડને રસ્તા પર દોડાવી-દોડાવીને બેલ્ટ (પટ્ટા) વડે ઢોરમાર મારવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. હુમલાખોરોએ સ્થાનિક લોકો બચાવવા ન આવે તે માટે યુવકે છોકરીની છેડતી કરી હોવાની ખોટી અફવા ફેલાવીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં કૃષ્ણનગર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચાલી પાસે આંટા મારવાની ના પડતાં બોલાચાલી સૈજપુર બોઘા ખાતે રહેતા 36 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ કપિલભાઈ લુટેએ ગત 31 ઓક્ટોબરે પોતાની ચાલી પાસે આંટા મારવાની ના પાડતાં રાહુલ લુહાર સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ લખન પાટીલ નામના શખ્સે ઘરે આવી ધમકી આપી હતી અને 1 નવેમ્બરે રાહુલે ફોન પર ધમકીઓ આપી હતી. તેનાથી ડરીને કપિલભાઈ પરિવાર સાથે સૈજપુર ટાવર પાસે રહેતા મામાના દીકરાના ઘરે જતા રહ્યા હતા. સિક્યોરિટી ગાર્ડને રસ્તા પર દોડાવી-દોડાવી પટ્ટાથી માર માર્યો તે જ રાત્રે રાહુલ લુહાર, લખન પાટીલ, આનંદ પાટીલ, રમેશ લુહાર અને મેહુલ લુહાર સમાધાનના બહાને ત્યાં પહોંચ્યા હતા. કપિલભાઈ બહાર આવતાં જ આ પાંચેય શખસો સહિત 10થી 15 લોકોના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો હતો. રાહુલે કમરના પટ્ટા વડે કપિલભાઈને રસ્તા પર દોડાવી-દોડાવીને ફટકાર્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા અફવા ફેલાવી અને વીડિયો બનાવ્યો હુમલા દરમિયાન કરણ લુહાર આખી ઘટનાનો વીડિયો શૂટ કરી રહ્યો હતો, જ્યારે મેહુલ લુહાર બચાવવા આવતા આસપાસના લોકોને "કપિલભાઈએ છોકરીની છેડતી કરી છે" તેવી ખોટી અફવા ફેલાવીને ગેરમાર્ગે દોરી રહ્યો હતો જેથી કોઈ તેમની મદદ કરી શકે નહીં. પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી સોશિયલ મીડિયા પર બનાવનો વીડિયો વાઇરલ થતાં કૃષ્ણનગર પોલીસ મથકનું ધ્યાન દોરાયું હતું. વીડિયોના આધારે પોલીસે ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હુમલામાં સામેલ મુખ્ય 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આતંક મચાવનાર અન્ય શખસો સામે સઘન તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar