top
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાંથી રોયલ સ્ટેગની 7404 બોટલ ઝડપાઈ:SMC અને PCBની કાર્યવાહી, બારકોડ સ્કેન કરી FSLમાં મોકલાઈ
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પ્રોહિબિશનની બદી નેસ્તનાબૂદ કરવા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જેના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને વડોદરા શહેર પોલીસની પીસીબી (PCB) શાખા દ્વારા દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વડોદરાના હરણી અને બાપોદ પોલીસ મથક વિસ્તારમાંથી બંને એજન્સીઓએ દરોડા પાડીને આંતરરાજ્ય દારૂ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને કુલ ₹1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2688 બોટલ ઝડપાઈ આ કાર્યવાહી અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી ₹1,00,21,258 નો જંગી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર લઠ્ઠાકાંડમાં ચર્ચામાં આવેલી રોયલ સ્ટેગ બ્રાન્ડની ₹8,73,600 ની કિંમતની 2,688 બોટલો પણ ઝડપાઈ હતી. આ કેસમાં મુખ્ય આરોપી નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી સિંધી, મહિન્દ્રા પીકઅપ, સુઝુકી સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ જેવા વાહનોના માલિકો તેમજ સ્થળ પરથી ફરાર થઈ ગયેલા અજાણ્યા ઈસમો અને દારૂ મોકલનાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4716 બોટલ ઝડપાઈ બીજી તરફ, વડોદરા શહેર પોલીસ કમિશનરની સ્થાનિક એજન્સી પીસીબી દ્વારા ગઈ કાલે રાત્રે હરણી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ગોલ્ડન ટોલ નાકા પાસેથી આઈસર કન્ટેનર ઝડપી મોટી સફળતા મેળવી હતી. આ કાર્યવાહીમાં ₹24,33,600 ની કિંમતની રોયલ સ્ટેગની 4,716 બોટલો સહિત કુલ 8,136 નંગ વિદેશી દારૂ-બિયર (કિંમત ₹43,71,120), ₹15 લાખનું કન્ટેનર, રોકડા ₹5,810 અને મોબાઈલ મળી કુલ ₹58,81,930 નો મુદ્દામાલ કબ્જે કરી હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની પ્રાથમિક તપાસમાં પીસીબી દ્વારા કન્ટેનર ચાલક આરોપી ધર્મેન્દ્ર રતનલાલ ચૌહાણ (રહે. કડીયા ગામ, જિ. આગર માલવા, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, હરિયાણાના ખારખોધાથી રાજસ્થાન થઈને આ દારૂનો જથ્થો જંબુસર પહોંચાડવાનો હતો. પોલીસે આ ગુનામાં કન્ટેનરમાં દારૂ ભરી આપનાર વિક્રમ અહરવાલ, મુખ્ય સપ્લાયર રાજુભાઈ અને જંબુસરમાં દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી સમગ્ર આંતરરાજ્ય રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar