crime
8 ધંધાર્થીઓનું તેલ અખાદ્ય નીકળતાં રૂ. 3,450નો દંડ વસૂલાયો:ફરસાણ-નાસ્તાના 34 એકમોમાં ચેકિંગ, 18 કિલો દાઝેલા તેલનો નાશ કરાયો
પોરબંદર મનપા અને જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા પોરબંદરમાં ફરસાણ-નાસ્તાના 34 એકમોમાં ચેકિંગ હાથ ધરી 18 કિલો દાઝેલા તેલનો નાશ કરાયો હતો.આ ચેકિંગ દરમ્યાન તેલની ટેસ્ટો મીટરથી કરાયેલ તપાસમાં 8 ધંધાર્થીઓનું તેલ અખાદ્ય નીકળતાં રૂ. 3,450નો દંડ વસૂલાયો છે. દિવાળીના તહેવારો નજીક આવતા જ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા પોરબંદર મહાનગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ અને તૈયાર નાસ્તાનું વેચાણ મોટા પાયે થતું હોવાથી શહેરીજનોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો મળે તે સુનિશ્ચિત કરવા તંત્રની ટીમો વિવિધ બજારોમાં ત્રાટકી હતી. આ ઝુંબેશ અંતર્ગત કમલા બાગ, એમ.જી. રોડ, લિબર્ટી ક્રોસ રોડ, નટવર ચોક, માણેક ચોક, શીતળા ચોક, નરસંગ ટેકરી, આશાપુરા ચોક, માર્કેટિંગ યાર્ડ તેમજ જુબેલી વિસ્તારમાં આવેલી દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની લારીઓ સહિત કુલ 34 એકમોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફરસાણ અને ફાસ્ટફૂડ તળવા માટે વપરાતા ખાદ્યતેલની ગુણવત્તા ટેસ્ટો મીટર નામના આધુનિક સાધનથી ચકાસવામાં આવી હતી. જેમાં 8 એકમોમાં તેલની ગુણવત્તા નિર્ધારિત 25 ટીપીસી વેલ્યુ કરતાં વધુ એટલે કે અત્યંત બિનઆરોગ્યપ્રદ જણાઈ આવી હતી. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી બનેલા આ 18 કિલો દાઝેલા તેલનો સ્થળ પર જ નાશ કરાવાયો હતો અને નિયમભંગ બદલ સંબંધિત વેપારીઓ પાસેથી રૂ. 3,450નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. કયા વિસ્તારોમાંથી કેટલું અખાદ્ય તેલ પકડાયું? તપાસમાં ચામુંડા ફરસાણ (નટવર ચોક) માંથી 6 કિલો, મધુરમ સ્વીટ્સ (નરસંગ ટેકરી) માંથી 3 કિલો, શિવમ એન્ટરપ્રાઇઝ (વાડી પ્લોટ), શ્રદ્ધા ઘૂઘરા (પ્લાઝા ક્રોસ લેન) અને ચામુંડા રેસ્ટોરન્ટ (માર્કેટિંગ યાર્ડ)માંથી 2-2 કિલો -જય જલારામ ગાંઠિયા, એલ.બી. શિંગોડા - ભગીરથ ગાંઠિયા પાસેથી 1-1 કિલો દાઝેલું તેલ જપ્ત કરાયું હતું.
Read full article on Divya Bhaskar