crime
ગઠિયાએ અન્ય બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કરી લીધા:બોટાદ જિ.પં.ના કર્મચારીના ગૂગલ પેમાંથી 80 હજાર રૂપિયા ઉપડી ગયા
બોટાદ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીના ગૂગલ પે એકાઉન્ટનું એક્સેસ મેળવી કોઈ અજાણ્યા શખ્સે રૂ. 80,002 બારોબાર ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. માહિતી અનુસાર બોટાદ ખાતે રહેતા અને જિલ્લા પંચાયતમાં નોકરી કરતા 37 વર્ષીય પ્રતીકભાઈ પ્રદીપભાઈ પરમારનું બેંક ઓફ બરોડાની બોટાદ હવેલી ચોક શાખામાં ખાતું છે. ગત 2 જૂનના રોજ બોટાદ ખસ રોડ પર આવેલી કચેરી ખાતે તેઓ બપોરે સ્ટાફ મીટિંગમાં ગયા હતા. મીટિંગ પૂરી કરીને પરત આવ્યા બાદ સાયલન્ટ મોડમાં રહેલો મોબાઈલ ચેક કરતાં ગુગલ પે એપ ખુલ્લી જોવા મળી હતી. તેમાં બપોરે 12:55 વાગ્યે રૂ. 19,000 અને 12:56 વાગ્યે રૂ. 61,002ના ટ્રાન્ઝેક્શન થયેલા દેખાયા હતા. પોતાની જાણ બહાર ખાતામાંથી કુલ રૂ. 80,002 અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જતાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા પ્રતીકભાઈએ તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ઓનલાઈન અરજી નોંધાવી હતી. પાંચ માસ પૂર્વે બનેલી આ ઘટના અંગે અંતે બોટાદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવાતાં પોલીસે અજાણ્યા સાયબર ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આ મામલે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar