crime
ખોટા નામે જીએસટી મેળવી રૂ. 80 લાખની ઉચાપત:રાજકોટ એડીસેશન્સ કોર્ટે આરોપીનાં જામીન ફગાવ્યા, બોગસ કંપની અને સાળીનાં નામે GST નંબર મેળવ્યો હોવાનો ખુલાસો
રાજકોટની એડી. સેશન્સ કોર્ટે ખોટા નામે જીએસટી નંબર મેળવી અને ખોટી ક્રેડિટ નોટના આધારે રૂ. 80.65 લાખની મોટી રકમની ઉચાપત કરવાના ગંભીર આર્થિક ગુનામાં મુખ્ય આરોપી વિનીતકુમાર સિંઘની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. એડી. સેશન્સ જજ આઈ.બી. પઠાણે આરોપીપક્ષ, સરકારપક્ષ અને મૂળ ફરિયાદીના વકીલની દલીલો તેમજ રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈને આરોપીને જામીન પર મુક્ત કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આરોપીએ બોગસ કંપની ઉભી કરી સાળીનાં નામે GST નંબર મેળવ્યો હોવાનો ખુલાસો થતા કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. કેસની મળતી વિગતો અનુસાર, ફરિયાદી ઈલેશભાઈ ચુનીલાલ ખખ્ખર યુબીક સોલ્યુશન પ્રા.લિ. નામની જાણીતી કંપની ચલાવે છે, જે દવાઓ સહિત વિવિધ પ્રોડક્ટ્સનું દેશ અને વિદેશમાં મોટા પાયે વેચાણ કરે છે. કંપનીએ ઉત્તરાખંડ વિસ્તારમાં માર્કેટિંગ અને પ્રોડક્ટ્સના વેચાણની જવાબદારી સંભાળવા આરોપી વિનીતકુમાર સિંઘને મેનેજર તરીકે નિયુક્ત કર્યો હતો. ઉત્તરાખંડમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતી વખતે આરોપી વિનીતકુમાર સિંઘે સાંઈ આસ્થા રેમીડેશ નામની પેઢીનો નવો જીએસટી નંબર હોવાનું જણાવી કંપની સાથે માલસામાનની મોટી લેતી-દેતી શરૂ કરાવી હતી અને કંપનીનો વિશ્વાસ કેળવ્યો હતો. જાન્યુઆરી 2025માં જ્યારે કંપનીના વાર્ષિક હિસાબો અંગે ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે સૌથી પહેલા એક્ર્મેડ ફેશવોશ અને ઈથીગ્લો ફેશવોશના વેચાણમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જ રૂ. 26.47 લાખની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ગંભીર બાબત સામે આવ્યા બાદ કંપની સંચાલકોએ તમામ વ્યવહારોનું ક્રોસ વેરિફિકેશન કરાવવાનો નિર્ણય લીધો હતો. કંપની દ્વારા કુલ 166 જેટલી પ્રોડક્ટ્સના તમામ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આખી બાબતનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યો હતો. સી.એ.ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપીએ ખોટી ક્રેડિટ નોટ ઊભી કરીને તથા બોગસ પેઢી દર્શાવીને કુલ રૂ. 80,65,057 ની મસમોટી રકમની સદ્ધર ઉચાપત આચરી છે. આ ઘટના બાદ પોલીસ અને એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આરોપી વિનીતકુમાર સિંઘે સાંઈ આસ્થા રેમીડેશ નામની જે પેઢીના નામે વ્યવહારો દર્શાવ્યા હતા, તે પેઢી આપેલા સરનામે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતી. એટલું જ નહીં, આરોપીએ જે નવો જીએસટી નંબર દર્શાવ્યો હતો તે તેની પોતાની સાળી સુધા સિંઘના નામે મેળવવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ અંગે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈઓડબલ્યુ) દ્વારા સઘન તપાસ ચલાવીને મુખ્ય આરોપી વિનીતકુમાર સિંઘની ધરપકડ કરવામાં આવી હતી. જેલહવાલે કરાયેલા આરોપી વિનીતકુમાર સિંઘે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જામીન અરજીની સનાવણી વખતે સરકારપક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા તેમજ મૂળ ફરિયાદી યુબીક સોલ્યુશન પ્રા.લી. ના ચેરમેન ઈલેશભાઈ ચુનીલાલ ખખ્ખર વતી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, સહિતના વકીલોએ ધારદાર દલીલો રજૂ કરી હતી. અને કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને કંપની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને બોગસ દસ્તાવેજોના આધારે આર્થિક ગુનો આચર્યો છે. અદાલતે તમામ પક્ષોની લેખિત-મૌખિક રજૂઆતો ધ્યાને લઈ જામીન અરજી નામંજૂર કરવાનો ચુકાદો આપ્યો હતો.
Read full article on Divya Bhaskar