politics
કેજરીવાલ, ભગવંત માન અને ઈટાલિયા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળ્યા:AAPના નેતાઓ 10 મિનિટની ટૂંકી મુલાકાત બાદ રવાના, આગામી રણનીતિ અંગે ચર્ચા?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યના અગ્રણી નેતા ગોપાલ ઈટાલિયાએ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચીને જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેટલાક મહત્વના કાયદાકીય મુદ્દાઓ ઉપરાંત આગામી રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાના કારણે તેઓનું ધારાસભ્ય પદ પણ રદ થઇ શકે છે, ત્યારે તે અંગે પણ ચર્ચા થઇ હોવાની શક્યતાઓ છે. 10 મિનિટની ટૂંકી મુલાકાત બાદ રવાના કેજરીવાલ અને ભગવંત માન ગઈકાલે(17 ઓગસ્ટ) સાંજે વડોદરાના હરણી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જે બાદ રાત્રી રોકાણ વડોદરામાં કર્યું હતું. રાત્રી રોકાણ કરીને શીર્ષ નેતૃત્વ આજે જેલે પહોંચ્યું હતું, જ્યાં તેમણે ચૈતર વસાવાના સ્વાસ્થ્ય તેમજ વર્તમાન સ્થિતિ અંગે પૃચ્છા કરી પક્ષ તરફથી સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ રાજકીય મુલાકાતને પગલે જેલ પરિસર બહાર આપના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જોકે આ મુલાકાત 10 માત્ર મિનિટની હતી. બાદમાં આ તમામ નેતાઓ પરત થયા હતા. બે દિવસની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત નહીં સામાન્ય રીતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જયારે જયારે ગુજરાત મુલાકાતે આવે છે ત્યારે તેઓ ગુજરાત સરકાર તેમજ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરવાનું ચુકતા નથી. તેઓ મીડિયાના માધ્યમથી પોતાનો સરકાર સામે પ્રહાર કરતા હોય છે. જોકે કેજરીવાલ તેમજ માનની બે દિવસની મુલાકાત દરમિયાન તેઓએ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી ન હતી. કોઈ ચોક્કસ રણનીતિ ઘડવામાં આવી હોય તેમ તજજ્ઞો માની રહ્યું છે. આ ઉપરાંત આ ટૂંકી મુલાકાત રાજકીય રીતે પણ ખાસ હોય તેવું કેટલાકનું માનવું છે. ફોરેસ્ટર પર હુમલાના કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઇ છે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે વર્ષ 2023માં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, ધમકી આપવા તેમજ ખંડણી વસૂલવાના ગંભીર કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય સહયોગીઓ સહિત કુલ નવ વ્યક્તિઓને દોષિત ઠેરવીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. સુરક્ષા અને કાયદાકીય કવાયતના ભાગરૂપે તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને કેદી નંબર પણ ફાળવી દેવાયો છે. જેલ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી સમયમાં ઉચ્ચ અદાલતમાં કાયદાકીય લડત આપવા અને રાજકીય રણનીતિ ઘડવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પક્ષના શીર્ષ નેતાઓની આ મુલાકાતે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
Read full article on Divya Bhaskar