crime
અઘોરી બાબા બની ₹19.60 લાખ પડાવનારા 3 વોન્ટેડ ઝડપાયા:પૈસા ડબલ કરવાની લાલચ આપી વૃદ્ધ સાથે છેતરપિંડી;વલસાડ સાયબર પોલીસે મહીસાગરમાંથી આરોપીઓ પકડ્યા
વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે અઘોરી બાબા અને ગુરુજી બની વૃદ્ધોને છેતરતી ગેંગના 3 વોન્ટેડ આરોપીઓને મહીસાગર જિલ્લાના વીરપુરમાંથી ઝડપી પાડ્યા છે. આ ગેંગે માતાજીની કૃપા અને રોકાયેલા પૈસા ડબલ કરવાની લાલચ આપીને 76 વર્ષના વૃદ્ધ પાસેથી ₹19,60,500 થી વધુની રકમ પડાવી લીધી હતી. આ મામલે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી આ સફળતા મેળવી છે. પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી પોલીસના જણાવ્યા મુજબ, 26 એપ્રિલના રોજ ફરિયાદીના 76 વર્ષના પિતાને અજાણ્યા લોકોએ ઇન્ટરનેટ દ્વારા ફોન કર્યો હતો. આરોપીઓએ અઘોરી બાબા અને ગુરુજીનું રૂપ ધારણ કરી પૈસા ડબલ થવાની લાલચ આપી હતી. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાના નંબર મોકલીને તેમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવ્યાં હતાં. આ કેસમાં અગાઉ 5 આરોપીઓ પકડાયા હતા, જ્યારે 6 આરોપીઓ વોન્ટેડ હતા. બાતમીના આધારે મહીસાગરથી ધરપકડ કરાઈ પોલીસ ઇન્સ્પેક્ટર રબારી અને તેમની ટીમે બાતમીના આધારે તપાસ કરીને 25 ઓક્ટોબરના રોજ વીરપુરમાંથી 3 આરોપીઓને પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ મહેબુબ શેખ, સરફરાજ પઠાણ અને સાહીલમિયાં શેખ મહીસાગરના વીરપુરના રહેવાસી છે. વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક વર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઓપરેશનની વિગતો આપી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી ગેંગના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરવા અપીલ પોલીસે નાગરિકોને તાંત્રિક વિધિ કે ચમત્કારથી પૈસા ડબલ કરવાના દાવાથી સાવચેત રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. અજાણ્યા લોકોને ઓનલાઇન કે રોકડમાં પૈસા ન આપવા પણ વિશેષ અપીલ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ કોલ કે મેસેજ આવે તો તુરંત જ 1930 સાયબર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે.
Read full article on Divya Bhaskar