Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
અમદાવાદ: અમદાવાદમાં સસ્તી બ્રાન્ડના દારૂમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડેડ બોટલમાં વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓ આ સસ્તી બ્રાન્ડના દારુને ડિફેન્સનો દારુ હોવાનું કહી વેચતા હતા. નિકોલ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની સંયુક્ત કામગીરી દરમિયાન આ બૂટલેગરોનું નેટવર્ક ઝડપાયું છે. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બે શખસો ફરાર થઈ જતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બાતમીના આધારે અટલ આવાસ યોજના પાસે કાર્યવાહી
ચોક્કસ માહિતીના આધારે નિકોલ પોલીસ અને SMCની ટીમે અટલ આવાસ યોજનાના ગેટ પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સુનિલ માખીજા નામના આરોપીને સ્થળ પરથી ઝડપી લીધો હતો. પોલીસની રેડ પડતાં જ તેની સાથે હાજર અન્ય આરોપી દિનેશ જંડાવાલા સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સુનિલના મોપેડની ડેકીમાંથી દારૂની બોટલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
ફરાર આરોપીના ઘરેથી ભેળસેળનો મુદ્દામાલ જપ્ત
ઘટના બાદ પોલીસે ફરાર આરોપી દિનેશ જંડાવડાના ઘરે તપાસ હાથ ધરી હતી. ત્યાંથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ઉમેરી તેને મોંઘી અને બ્રાન્ડેડ બોટલોમાં પેક કરતા હતા. આ દારૂ આર્મી કે ડિફેન્સનો હોવાનું કહીને ઊંચા ભાવે ગ્રાહકોને વેચવામાં આવતો હતો.
આ પણ વાંચો- ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભંગારની દુકાનમાંથી બોટલ અને નકલી સ્ટીકર લાવતા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિનેશ ચામુંડા બ્રિજ પાસે આવેલી ભંગારની દુકાનમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો, નકલી સ્ટીકર અને સીલ કરવા માટેનું મટીરીયલ ખરીદતો હતો. ત્યારબાદ ઘરે જ બનાવટી દારૂ તૈયાર કરીને મોંઘા ભાવે વેચવાનું કાવતરું ચલાવવામાં આવતું હતું. ફરાર આરોપીના ઘરેથી પોલીસે શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલમાં પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમ બનાવીને વધુ તપાસ તેજ કરી છે.