Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર
જુઓ આ દ્રશ્યો... જ્યાં ત્રણ દુકાનો હતી, ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. વાત છે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારની, જ્યાં કોર્પોરેશનના નામે ડિમોલિશન કરવામાં આવ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક લોકો પોતે કોર્પોરેશનમાંથી આવ્યા હોવાનું કહી, દબાણ હોવાનું જણાવી ત્રણ દુકાનો તોડી પાડ્યા હતા. જોકે, ચોંકાવનારી વાત એ છે કે જેમના નામે ડિમોલિશન કરવામાં આવ્યું, તે જ લોકો આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન AMC દ્વારા કરવામાં આવ્યું નથી.
ઉત્તર ઝોનના એસ્ટેટ અધિકારી વિક્રમ તાવીયાડે સ્પષ્ટતા કરી છે કે AMC દ્વારા કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું નથી. સાથે જ સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, દુકાનો દબાણમાં આવતી હતી અને વેપારીઓને અમુક હિસ્સો દૂર કરવા માટે AMC દ્વારા અગાઉ સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન રાજપૂત સિક્યુરિટી એજન્સીના માણસો દ્વારા જ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે.
સમગ્ર ઘટનાને પગલે AMCના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કોર્પોરેશનના નામે ગેરકાયદેસર રીતે કામગીરી કરનારાઓ સામે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું છે.