crime
બટાલા ફાયરિંગ કેસમાં વોન્ટેડ આરોપીની ATSએ ધરપકડ કરી:પાલનપુરની હોટલમાંથી સુખમિન્દર સિંહ ઝડપાયો, પંજાબ પોલીસને આરોપી સોંપ્યો
પંજાબના બટાલા જિલ્લામાં થયેલા ફાયરિંગના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી સુખમિન્દર સિંહ ઉર્ફે સુખીની ગુજરાત એટીએસે પાલનપુરમાંથી ધરપકડ કરી છે. પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલા ગુનામાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ અંગે પંજાબ પોલીસને જાણ કરી છે અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરની હોટલમાંથી સુખમિન્દર સિંહ ઝડપાયો ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલા તાલુકાના લોહ ચાપ ગામનો રહેવાસી સુખમિન્દર સિંહ ઉર્ફે સુખી હાલ પાલનપુર વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે એટીએસની ટીમે તપાસ હાથ ધરી હતી. તા. 22 ઓગસ્ટ, 2026ની સાંજે પાલનપુર ખાતે આવેલી હોટલ સુંદરામાં તપાસ કરતા સુખમિન્દર સિંહ મળી આવ્યો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ગુજરાત એટીએસના અમદાવાદ સ્થિત કાર્યાલયે લાવવામાં આવ્યો હતો. ફરિયાદી હિર્દીપ સિંહના શેલર નજીક ફાયરિંગ કર્યું હતું પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસની તપાસમાં એવી વિગતો પણ બહાર આવી હતી કે તા. 20 જુલાઈ, 2026ના રોજ સુખમિન્દર સિંહે તેના સાગરીતો સાહિબદીપ સિંહ, ગગનદીપ સિંહ અને વિક્રમજીત સિંહ ઉર્ફે વિકકી સાથે મળીને ફરિયાદી હિર્દીપ સિંહના શેલર નજીક ફાયરિંગ કર્યું હતું. દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને પાલનપુર પહોંચ્યો ફાયરિંગની ઘટના બાદ આરોપી તેના સાથી વિક્રમજીત સિંહ ઉર્ફે વિકકી સાથે ગામ મથરીવાલ, તાલુકો કાદિયાન ખાતે તેની ફોઈ હરમીત કૌરના ઘરે ગયો હતો. ત્યાં તેણે પોતાની લાઇસન્સવાળી 30-06 રાઇફલ તેના પિતરાઈ ભાઈ નિજોત સિંહને આપી હતી. ત્યારબાદ તે ખરાર નજીક આવેલી એક હોટલમાં આશરે સાતથી આઠ દિવસ રોકાયો હતો. બાદમાં દિલ્હી, હૈદરાબાદ અને નાંદેડ થઈને પાલનપુર પહોંચ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. એટીએસની તપાસ મુજબ સુખમિન્દર સિંહ વિરુદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસ, ફાયરિંગ, આર્મ્સ એક્ટ તથા NDPS એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
Read full article on Divya Bhaskar